કનૈયાબે અને લેરની કંપનીમાં કામ દરમ્યાન અકસ્માતમાં બે શ્રમિકના મોત
ભુજ તાલુકાના કનૈયાબે પાસેની કંપનીના પ્લાન્ટમાં કામ દરમ્યાન સીડી પરથી આકસ્મિક રીતે પડી જતાં મૂળ ઉત્તરપ્રદેશના 27 વર્ષીય શ્રમિકનું ગંભીર ઈજાના પગલે મોત થયું હતું. મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના આગ્રા જિલ્લાના અને હાલે કનૈયાબેન એસએમડબલ્યુની શ્રમિક કોલોનીમાં રહેતો યુવાન તા. 4/8ના સાંજે 4 વાગ્યાના અરસામાં એશિયા મોટર્સ વર્કસ કંપની પ્લાન્ટમાં કામ કરી રહ્યો હતો ત્યારે સીડી પરથી નીચે પડી જતાં તેને ગંભીર પ્રકારની ઇજા પહોંચતાં ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો પરંતુ સારવાર કારગત ન નીવડતાં રાત્રે તેણે અંતિમ શ્વાસ લીધાની વિગતો પદ્ધર પોલીસ મથકે જાહેર કરાતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. જયારે એ જ રીતે લેર સીમની કંપનીમાં પતરાના મરંમત કામ દરમ્યાન 29 વર્ષીય યુવાન ઉપરથી નીચે પટકાતા ગંભીર ઈજાના પગલે મોતને ભેટયો હતો. લેર સીમની આશાપુરા કંપનીમાં રહીને મજૂરી કામ કરતો કલ્પેશ ગઇકાલે કંપનીમાં ઉપર પતરાનું મરંમત કામ કરી રહ્યો હતો ત્યારે આકસ્મિક રીતે ઉપરથી જમીન પર નીચે પટકાતાં માથા તથા હાથ-પગમાં ગંભીર ઇજા પહોંચતાં તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યા હતા.