ગાંધીધામના રૂ.5.55 કરોડના USDT ખંડણીકાંડમાં મોટી કાર્યવાહી: મુખ્ય આરોપી સહિત 5 ઝડપાયા

ગાંધીધામના ચકચારી રૂ.5.55 કરોડના USDT ખંડણીકાંડમાં પૂર્વ કચ્છ પોલીસે અગાઉ દસ આરોપીઓને ઝડપી લીધા બાદ મોટી કાર્યવાહી કરી મુખ્ય આરોપી સહિત પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ગુજરાત ATS અને પંજાબ STFની મદદથી મુખ્ય આરોપી જાવેદ અભુ સાયચા, સોહિલ જુસબ બુચડ અને રિઝવાન હુશેન કિચાને પંજાબના ભટિંડાથી, જ્યારે સહ આરોપી મુનાવર મન્સુરભાઈ બુચડને જામનગર અને નાગજી બળદેવભાઈ દેસાઈને અમદાવાદથી ઝડપી લેવામાં આવ્યા છે.
પોલીસ તપાસમાં અત્યાર સુધી રોકડ તથા USDT સહિત રૂ.4.13 કરોડની રકમ રિકવર કરવામાં આવી છે, જ્યારે થાર ગાડી સહિત રૂ.4.30 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ અંગે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા પત્રકાર પરિષદ યોજી સમગ્ર કાર્યવાહી અંગે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ ગાંધીધામ A-ડિવિઝન પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને અપહરણથી લઈને ખંડણી વસૂલવા સુધીના સમગ્ર ઘટનાક્રમ અંગે સ્થળ પર જરૂરી વિગતો મેળવી પંચનામુ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ સફળ કામગીરી પૂર્વ કચ્છ LCB PI જે.એમ. વાળા, ગાંધીધામ A-ડિવિઝન PI એમ.જે. રાઠોડ, PSI ડી.જી. પટેલ, PSI જે.ડી. પરમાર, જામનગર LCB PSI એમ.વી. ભાટિયા, ગુજરાત ATSની ટીમ તેમજ પૂર્વ કચ્છ-ગાંધીધામ LCB અને ગાંધીધામ A-ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી છે.