જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ કાંતિપ્રસાદભાઈ અંતાણીની ૪૦મી પુણ્યતિથિ ઉજવાઈ

કચ્છ જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ સ્વ. કાંતિપ્રસાદભાઈ અંતાણીની ૪૦મી પુણ્યતિથિ નિમિત્તે જિલ્લા પંચાયતના પ્રાંગણમાં આવેલી તેમની પ્રતિમાને જિલ્લા પંચાયત કર્મચારી પરિવાર, સત્યમ સંસ્થા તથા તાનારીરી મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે શ્રદ્ધાસુમન અર્પણ કરી ભાવભીની વંદના કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, ભુજ નગરપાલિકાના પૂર્વ નગરપતિ તથા જાણીતા ધારાશાસ્ત્રી અને દાતા શ્રી શંકરભાઈ સચદે, જિલ્લા ખેતીવાડી અધિકારી કિરણસિંહ વાગેલા, સમાજ કલ્યાણ અધિકારી શાંતિલાલભાઈ પ્રજાપતિ, જિલ્લા આંકડા અધિકારી રાજેશભાઈ જરુ,ઉમેશકુમાર જે રૂઘાણી , જિલ્લા કેળવણી નિરીક્ષક ઇન્દિરાબાઈ કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ તથા શાળાના શિક્ષિકા સાયરાબેન કુરેશી, દીપકભાઈ મકવાણા, શ્યામકુમાર મહેતા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.તેમજ
કાંતિપ્રસાદભાઈ અંતાણી પરિવારના મીહીર ભાઈ વોરા તેમજ સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ તરફથી સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણી, રામુબેન પટેલ, માલશ્રીબેન ગઢવી, નીતાબેન શાહ, પત્રકાર તથા ભારત સેવક સમાજના અબ્દુલગફુર શેખ, શિવાંગ અંતાણી, જિલ્લા પંચાયતના સિનિયર ક્લાર્ક ઉર્મિ શિવાંગ અંતાણી સહિતના આગેવાનોએ પણ સ્વ. કાંતિપ્રસાદભાઈ અંતાણીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
સ્વ. કાંતિપ્રસાદભાઈ અંતાણીના જીવન અને સેવાકાર્યોને યાદ કરતાં પૂર્વ નગરપતિ તથા જાણીતા ધારાશાસ્ત્રી શ્રી શંકરભાઈ સચદેએ જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ દિવંગત શ્રી કાંતિપ્રસાદભાઈ અંતાણીએ અંજાર પાંજરાપોળના માધ્યમથી મૂંગા પશુઓની સેવા કરી હતી. રાજાશાહીના જમાનામાં થયેલા પ્રજાકીય આંદોલનોમાં પણ તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું.
કચ્છ, કચ્છી પ્રજા તથા કચ્છીયત પ્રત્યે તેઓ અત્યંત સમર્પિત હતા. તેઓ કચ્છના ઇતિહાસના અભ્યાસુ હતા તેમજ કચ્છના ખેડૂતો, પશુપાલકો તથા ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નોની ઊંડી જાણકારી ધરાવતા હતા. તેથી પંચાયતી રાજની સ્થાપના થતાં કચ્છ જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ તરીકે તેમની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી.
પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમિયાન અછત, અર્ધઅછત અને દુષ્કાળ જેવી વિકટ પરિસ્થિતિઓમાં તેમણે બજાવેલી ફરજોને લોકો આજે પણ યાદ કરે છે. કચ્છની પ્રજા અને ગ્રામ્ય વિસ્તારોના પ્રશ્નો પ્રત્યે તેમની સંવેદનશીલતા તથા સેવાભાવ હંમેશાં યાદગાર રહેશે. તેમની અમૂલ્ય સેવાઓને શત શત વંદન.
આ પ્રસંગે સત્યમ સંસ્થા દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં રહેતા બાળકો માટે અલ્પાહારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો સહયોગ પૂર્વ નગરપતિ અને દાતા શ્રી શંકરભાઈ સચદે દ્વારા આપવામાં આવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણીએ કર્યું હતું, જ્યારે આભારવિધિ આશિષભાઈ રાવલ દ્વારા કરવામાં આવી હતી.
આ પ્રસંગે ભુજ નગર સેવા સદનના પૂર્વ કાઉન્સિલર ધીરેનભાઈ લાલન તથા ભુજ કો-ઓપરેટિવ બેંકના એમ.ડી. ધીરેનભાઈ ઠક્કર સહિતનાઓએ સ્વ. કાંતિપ્રસાદભાઈ અંતાણીના સેવાકાર્યોને યાદ કરી શાબ્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.