ગાંધીધામમાં પ્રથમ વખત ઘાસચારો વેચતા ત્રણ સામે કાર્યવાહી
ગાંધીધામમાં જાહેર માર્ગો ઉપર ઘાસચારો વેચતા ત્રણ સામે કાર્યવાહી કરીને સંભવત પ્રથમ વખત જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઇ હતી.સૂત્રો પરથી મળતી માહિતી મહાનગરપાલિકા અને પોલીસે સંયુક્ત કામગીરી કરી હતી. લોકો દ્વારા ઘાસચારાનું દાન રામલીલા મેદાનમાં કરવામાં આવે તેવો તંત્રે અનુરોધ કર્યો હતો. ગાંધીધામ મહાનગરપાલિકાની ટીમ દ્વારા સ્વામિનારાયણ મંદિર સામે નેહરુ પાર્ક રોડ ભારતનગરમાં જાહેરમાં ઘાસચારો વેચતી ત્રણ વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જાહેર માર્ગ ઉપર ઘાસચારો રાખીને વેચાણ કરવાથી ટ્રાફિકની સમસ્યા તેમજ રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. જેના પગલે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા એ-ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. લગભગ પ્રથમ વખત ઘાસચારો વેચનાર સામે ફરિયાદ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરાઇ છે. વહીવટી તંત્ર દ્વારા જાહેરમાં ઘાસચારો વેચતા લોકો પાસેથી ઘાસ ન ખરીદવા લોકોને અનુરોધ કરાયો છે અને રામલીલા મેદાનમાં રખડતા ઢોરને રાખવામાં આવ્યા છે અને ત્યાં જ ઘાસચારાનું દાન કરવામાં આવે તેવો અનુરોધ નાગરિકોને કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં રખડતા ઢોરને પકડવા પાછળ બે કરોડથી વધુનો ખર્ચ કરી નાખવામાં આવ્યો છે અને તેમ છતાં માર્ગો ઉપર રખડતા ઢોર યથાવત છે. આ બાબતે પગલાં ભરાય તે જરૂરી છે.