ગાંધીધામ :શિણાય રોડ પર ટ્રેઈલર-બાઈક અકસ્માતમાં 23 વર્ષીય યુવકનું મોત

આદિપુર-શિણાય રોડ પર યોગીપુરમ સોસાયટી નજીક ટ્રેઈલર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બેફામ દોડતા ટ્રેઈલરે બાઈકને અડફેટે લેતાં તેનું પૈડું બાઈકચાલક 23 વર્ષીય રાજન કુમાર પર ફરી વળ્યું હતું, જેના પગલે તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.
મૂળ બિહારનો વતની અને કંડલા ખાતે નોકરી કરતો રાજન કુમાર અકસ્માતનો ભોગ બનતાં અરેરાટી વ્યાપી ગઈ છે. બનાવની જાણ થતાં આદિપુર પોલીસે મૃતદેહને પીએમ માટે રામબાગ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.
ઘટનાને પગલે સ્થાનિક નાગરિકોમાં રોષ જોવા મળ્યો છે અને ગાંધીધામના ટાગોર રોડની જેમ શિણાય રોડ પર પણ ભારે વાહનોની અવરજવર પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠી છે.