ભારતના યુવાનો સામે અમેરિકા, ચીનની કોઈ વિસાત નહીં : રાહુલ

: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શનિવારની સાંજે અહીં `છાત્રોકી ગુંજ’ કાર્યક્રમને સંબોધન કર્યું હતું. રાહુલે છાત્રોને જણાવ્યું હતું કે, આ રીલ બનાવવી 21મી સદીનો નશો છે. યુવાનોના ડેટા છીનવીને મોટી મોટી કંપનીઓને અપાય છે.માહિતી મુજબ દેશમાં એક હજારમાંથી માત્ર 12 યુવાનોને સ્થાયી નોકરી મળે છે, તેવા પ્રહાર 20 મિનિટનાં સંબોધનમાં તેમણે કર્યા હતા. કોંગ્રેસ સાંસદે કહ્યું હતું કે, છાત્રો ભારતની શક્તિ અને શાન છે. હિન્દુસ્તાન પાસે દુનિયાની સૌથી મોટી યુવા વસ્તી છે. લગભગ 40 કરોડ ઊર્જાવાન યુવાનો આપણા દેશમાં છે, જેમનાં સામર્થ્ય સામે ચીન, અમેરિકા, રશિયા જેવા દેશો કંઈ જ નથી. રાહુલ ગાંધીએ દેશની શિક્ષણ વ્યવસ્થા, બેરોજગારી અને ડેટાની તાકાત પર ખૂલીને વાત કરી હતી. કેન્દ્ર સરકાર અને તેની નીતિઓનાં કારણે દેશના યુવાન આજે બેહાલ છે. સિસ્ટમે યુવાનોને એક ચક્રવ્યૂહમાં ફસાવી દીધા છે, તેવા પ્રહારો કોંગ્રેસ સાંસદે મોદી સરકાર પર કર્યા હતા. તેમણે આરોપ મૂક્યો હતો કે, પરિવારો પાસેથી લાખો કરોડ રૂપિયા લેવાય છે. બદલામાં બીએ, એમએની ડિગ્રી મળે છે, પરંતુ તે રોજગારની ગેરંટી નથી આપતી. છાત્રોને સંબોધતાં રાહુલે કહ્યું હતું કે, આપ સૌએ ચક્રવ્યૂહ જેવી સિસ્ટમને ખતમ કરવાની છે અને તે પણ નફરત નહીં, મહોબ્બતથી.