ભારત સહિત પાંચ દેશ પર 100 ટકા ટ્રમ્પ ટેરિફ !

image

 રશિયા પાસેથી તેલ અને ગેસની ખરીદી કરતા દેશો પર દબાણ લાવવા અમેરિકાએ એક મોટું પગલું ભર્યું છે. અમેરિકી સંસદમાં ભારત સહિત પાંચ દેશ પર 100 ટકા ટેરિફ લાગુ કરવાનું વિધેયક પસાર થઈ ગયું હતું.મળતી માહિતી મુજબ આ ખતરનાક ખરડામાં સામેલ જોગવાઈ અનુસાર ભારત ઉપરાંત ચીન,  સ્લોવાકિયા,  અઝરબૈજાન અને હંગેરી પર 100 ટકા ટેરિફ લાદી શકાશે. રશિયા પાસેથી તેલ-ગેસ ખરીદતા દેશો પર 100 ટકા ટેરિફ ઝીંકતા ખરડાના પક્ષમાં 86 મત પડયા હતા, તો 11 સાંસદો એવા પણ હતા, જેમણે ટેરિફનાં આ પગલાંનો વિરોધ કર્યો હતો. વિધેયકના પ્રારંભિક મુસદ્દામાં પ00 ટકા ટેરિફ લાગુ કરવાનો આકરો પ્રસ્તાવ હતો, પરંતુ પછીથી તેને ઘટાડીને 100 ટકા કરી દેવાયો હતો. જો કે, હજુ આ ખરડો કાયદો નથી બન્યો.  અમેરિકી સંસદના નીચલા ગૃહ એટલે કે પ્રતિનિધિ ગૃહમાં વિધેયક મોકલાશે, ત્યાં બહાલી બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પને મોકલાશે, તેમની મંજૂરી મળી ગયા બાદ આ ખરડો કાયદો બની જશે. જો આ કાયદો બને તો 1996નો ઈરાન પ્રતિબંધ કાયદો 2031 સુધી લંબાવાશે. આ કાયદો એવી બિનઅમેરિકી કંપનીઓ પર પાબંદી લગાવે છે, જે ઈરાન સાથે વેપાર કરી રહી છે. આ વિધેયકને આગળ વધારવામાં દિવંગત રિપબ્લિકન સાંસદ લિંડસે ગ્રેહામ અને ડેમોક્રેટ સાંસદ રિચર્ડ બ્લુમેંથલની મુખ્ય ભૂમિકા રહી હતી. ગ્રેહામનાં નિધન બાદ બન્ને પક્ષના નેતાઓએ તેમના વારસાનું સન્માન કરતાં ખરડો આગળ વધાર્યો. આ નવા કાયદાથી અમેરિકી રાષ્ટ્રપતિને રશિયા પાસેથી તેલ-ગેસ ખરીદતા દેશો પર 100 ટકા ટેરિફ લાદવાનો વિશેષ અધિકાર મળી જશે. ચીન, ભારત, અઝરબૈજાન, હંગેરી અને સ્લોવાકિયા વર્તમાન આંકડા અનુસાર રશિયા પાસે તેલ – ગેસ ખરીદતા ટોચના પાંચ દેશ છે. આ 100 ટકા ટેરિફનો કાયદો લાવવા પાછળ રશિયાનાં નેતૃત્વ અને અર્થવ્યવસ્થા પર દબાણ લાવવાની પણ રણનીતિ છે. ભારતે જૂન 2026માં રૂસ પાસેથી વિક્રમી 26.1 લાખ બેરલ પ્રતિ દિવસ કાચાં તેલની ખરીદી કરી હતી, જે દેશની કુલ આયાતના 52.4 ટકા છે.