દિવ્યાંગતા ધરાવતા નાગરિકોને જન્મથી જ મળશે પેન્શન

કેન્દ્ર સરકાર દ્વારા બુધવાર દિવાળીથી પહેલાં ભારતીય રેલવેના લગભગ 11.40 લાખ કર્મચારીને 78 દિવસનું બોનસ આપવાની મંજૂરી અપાઈ હતી. માહિતી મુજબ આ ફેંસલાથી સરકારી ખજાનામાંથી બે લાભ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ થશે. સાથોસાથ અન્ય બે મહત્ત્વના ફેંસલામાં દિવ્યાંગોને જન્મથી જ પેન્શન મળશે અને સામાજિક સહાયતા યોજના પાંચ વર્ષ સુધી જારી રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને આજે મળેલી કેન્દ્રીય પ્રધાન મંડળની બેઠકમાં આ ત્રણ મહત્ત્વના ફેંસલા લેવાયા હતા. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટ બેઠક બાદ જણાવ્યું હતું કે, લોકો પરિવારો સાથે તહેવાર ઊજવતા હોય છે, ત્યારે પણ રેલવે કર્મચારીઓ ટ્રેક, એન્જિન અને વર્કશોપમાં ફરજ બજાવતા હોય છે. દેશના 11 લાખ 40 હજાર કર્મચારીને તેમની મહેનતના ફળરૂપે 78 દિવસનું ઉત્પાદનતા આધારિત બોનસ આપવાનો નિર્ણય લેવાયો છે. બીજા મહત્ત્વના નિર્ણયરૂપે દિવ્યાંગ પેન્શન યોજના હેઠળ હવે શૂન્યથી 79 વર્ષની વયના લાભાર્થીઓને 375 રૂપિયા અને 80 વર્ષથી વધુ વયના લોકોને 625 રૂપિયાની સહાય મળશે. યોજનાનો લાભ લેવા માટે દિવ્યાંગતાની કમસે કમ સીમા 80 ટકામાંથી ઘટાડીને 40 ટકા કરી દેવાઈ છે. સાથોસાથ પેન્શન માટે ન્યૂનત્તમ ઉમરની શરત જન્મથી જ લાગુ થશે. નવા નિયમો, પાત્રતા અને લાભાર્થીઓની સંખ્યા સાથે જોડાયેલા દિશા-નિર્દેશ આગામી ત્રણ મહિનામાં જારી કરાશે. એ સિવાય કેબિનેટ બેઠકમાં રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ 2026-27થી 2030-31 સુધી એટલે કે, પાંચ વર્ષ સુધી જારી રાખવા માટે મંજૂરી અપાઈ છે. આ યોજના માટે સરકારે 53 હજાર કરોડથી વધુ 53,428 કરોડનું બજેટ નક્કી કર્યું છે. દેશના લગભગ 3.20 કરોડ લાભાર્થીને આ યોજનાનો લાભ મળશે. આ યોજનાનું નામ બદલીને પ્રધાનમંત્રી સામાજિક સહાયતા યોજના કરાશે. એ જ રીતે બુઝુર્ગોની યોજનાનું નામ પ્રધાનમંત્રી વૃદ્ધાવસ્થા પેન્શન યોજના કરાશે.