રતાડીયા PHCને 24 કલાકની આરોગ્ય સેવા માટે સજ્જ કરવાની દિશામાં પગલાં

મુંદરા તાલુકાના રતાડીયા ગામમાં ગ્રામજનોને વધુ સુદૃઢ અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ સ્થાનિક કક્ષાએ જ મળી રહે તે દિશામાં આરોગ્ય સુવિધાઓને મજબૂત બનાવવાના પ્રયાસો હાથ ધરાયા છે. જિલ્લા પંચાયતના ભદ્રેશ્વર શીટના નવ નિયુક્ત સદસ્ય તલકશી જખુ ફફલ દ્વારા રતાડીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન સ્થાનિક સુપરવાઈઝર તથા આરોગ્ય કેન્દ્રના સ્ટાફ સાથે વિગતવાર ચર્ચા કરી કેન્દ્ર ખાતે ઉપલબ્ધ આરોગ્ય સેવાઓ, દવા અને રસીકરણની વ્યવસ્થા, દર્દીઓને મળતી સુવિધાઓ તેમજ પ્રસૂતિ સેવાઓ અંગે માહિતી મેળવવામાં આવી હતી. ગ્રામજનોને સ્થાનિક સ્તરે જ 24 કલાક આરોગ્ય સેવા તથા સુરક્ષિત પ્રસૂતિની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે જરૂરી માનવબળ અને સાધન-સુવિધાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. રતાડીયા PHC ખાતે MBBS તબીબની ઉપલબ્ધતા, સ્ટાફ નર્સની જગ્યા ભરવા, એમ્બ્યુલન્સ વાન તથા લોહીની તપાસ માટે સેલ કાઉન્ટર મશીન ઉપલબ્ધ કરાવવા માટે જિલ્લા પંચાયત તેમજ CSRના સહયોગથી જરૂરી કાર્યવાહી કરવા સદસ્યશ્રી દ્વારા હકારાત્મક ખાતરી આપવામાં આવી હતી. જિલ્લા આરોગ્ય અધિકારીની મુલાકાતે આરોગ્ય સેવાઓની સમીક્ષા- આ મુલાકાતના અનુસંધાને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભંડેરી દ્વારા રતાડીયા ગ્રામ પંચાયત, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ ગુંદાલા પેટા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન આરોગ્ય કેન્દ્રના સ્થાનિક સુપરવાઈઝર તથા સ્ટાફ પાસેથી સ્થળ પર જ આરોગ્ય સેવાઓની કામગીરી અંગે વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રતાડીયા PHC ખાતે ડિલિવરી પોઈન્ટને સક્રિય કરવા, સગર્ભા માતાઓને સુરક્ષિત પ્રસૂતિ સેવા સ્થાનિક કક્ષાએ ઉપલબ્ધ કરાવવા તથા જરૂરી સ્ટાફની વ્યવસ્થા સુદૃઢ કરવા અંગે સૂચનાઓ આપવામાં આવી હતી. જન્મ-મરણ નોંધણીથી લઈ પીવાના પાણી સુધીની સમીક્ષા- મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ગ્રામ પંચાયત ખાતે સરપંચ તથા તલાટી સાથે મુલાકાત કરી જન્મ-મરણ નોંધણીની કાયદાકીય જોગવાઈઓ અને પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ ગામમાં પીવાના પાણીની ઉપલબ્ધતા, પાણીનું ક્લોરીનેશન, લીકેજની સમસ્યા તથા અન્ય જાહેર આરોગ્યલક્ષી મુદ્દાઓ અંગે પણ માહિતી મેળવવામાં આવી હતી. રતાડીયા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ અસરકારક બને અને લોકોને સારવાર માટે દૂર જવું ન પડે તે માટે સ્થાનિક આરોગ્ય તંત્ર, ગ્રામ પંચાયત અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે સંકલન સાથે આરોગ્ય માળખું વધુ મજબૂત બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.