નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી ને ત્રીજા જ દિવસે કચ્છની મહિલાને ફ્રોડમાં ગયેલા તેણીના રૂ. ૩૫ લાખ પરત મળી ગયા

image

ચ્છના મુન્દ્રાના વતની આશાબેન પોતાની સાથે થયેલા રૂ. ૩૫ લાખથી વધારેની રકમના આર્થિક ફ્રોડ અંગે રજૂઆત લઈને પબ્લિક ડે દરમિયાન ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીને મળવા આવે છે અને તેમની જીવનભરની કમાણી એક છેતરપિંડીમાં સાફ થઈ ગયાની આપવીતી જણાવે છે. ત્વરિત એક્શન માટે કડક આદેશો છૂટતા રજૂઆત કરી ને ત્રીજા જ દિવસે કચ્છની આશાબેનને ફ્રોડમાં ગયેલા રૂ. ૩૫ લાખ પરત મળી ગયા છે.

કચ્છના આશાબેન અંદાજે ત્રણ વર્ષ પહેલા નોકરીની જરૂરિયાત હોવાના લીધે ‘કે.ડી. એન્ટરપ્રાઈઝ’ નામની કંપનીમાં એજન્ટ તરીકે જોડાયા હતા. આ દરમિયાન કંપની દ્વારા વધુ આર્થિક વળતરની લાલચ આપવામાં આવતા આશાબેને અન્ય લોકોને પણ પોતાની સાથે જોડ્યા હતા. કંપનીએ ડબલ પૈસા પરત આપવાની સ્કીમો બતાવીને લોકો પાસેથી માતબર રકમ મેળવી લીધી હતી.

જ્યારે મુદત પૂરી થતાં પૈસા પરત કરવાનો સમય આવ્યો ત્યારે કંપનીના સંચાલકો બહાના બતાવવા લાગ્યા અને અંતે પૈસા આપવાની સ્પષ્ટ ના પાડી દીધી. આથી પોતાની અને અન્ય લોકોની કમાણી ફસાઈ જતાં આશાબેન ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. આ બાબતે ન્યાય મેળવવા માટે આશાબેને રૂબરૂ ગાંધીનગર પહોંચીને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સમક્ષ પોતાની આપવીતી અને રજૂઆત મૂકી હતી.

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ રજૂઆતને અત્યંત ગંભીરતાથી લઈને તરત જ પશ્ચિમ કચ્છ એસ.પી ને કડક આદેશ આપ્યા કે અરજદારને તાત્કાલિક ન્યાય મળે અને તેમના નાણાં ઝડપથી પરત અપાવવા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.

નાયબ મુખ્યમંત્રીશ્રીના આદેશ બાદ પશ્ચિમ કચ્છ પોલીસ તરત જ હરકતમાં આવી હતી. પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડાએ બીજા જ દિવસે અરજદાર આશાબેન સાથે રૂબરૂ મુલાકાત કરીને સમગ્ર બનાવની વિગતો મેળવી હતી. LCB સહિતની પોલીસ ટીમે તાત્કાલિક ધોરણે સઘન તપાસ શરૂ કરી હતી. પોલીસની આ સક્રિય અને અસરકારક કાર્યવાહીના પરિણામે માત્ર ૩ જ દિવસમાં રૂ. ૩૫ લાખથી વધુની રકમ પરત મેળવવામાં સફળતા મળી છે.

પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડાએ જણાવ્યું હતું કે, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા મળેલી સૂચના બાદ અરજદાર પાસેથી સમગ્ર માહિતી મેળવીને પશ્ચિમ કચ્છ પોલીસે ‘તેરા તુઝકો અર્પણ’ અભિયાન અંતર્ગત સંપૂર્ણ તત્પરતા દાખવીને કામગીરી કરી હતી. જેના પરિણામે મુન્દ્રા નિવાસી આશાબેન સિદ્ધપુરાને તેમના નાણાં માત્ર ત્રણ દિવસમાં પરત અપાવી શકાયા છે.

પોતાના જીવનભરની કમાણીના પૈસા હેમખેમ પરત મળતા આશાબેને અત્યંત સંતોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, “ગાંધીનગર સુધીનો મારો ધક્કો સાચે જ ફળ્યો છે.” તેમણે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની કડક અને ત્વરિત નિર્ણયશક્તિ તેમજ પશ્ચિમ કચ્છ પોલીસની સમગ્ર પોલીસ ટીમની ત્વરિત કામગીરીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ સાથે આશાબેને નાગરિકોને અપીલ કરી હતી કે વધુ વળતર કે ડબલ પૈસાની લાલચમાં આવીને આવી કોઈ ફ્રોડ કંપનીઓમાં રોકાણ ન કરવું.