કચ્છ કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાએ તિરંગા યાત્રાના સુચારુ આયોજન અને નાગરિકોની સહભાગિતાને લઈને માર્ગદર્શન આપ્યું

image

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ગાંધીધામ ખાતે તા. ૧૪ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ સવારે ૯.૦૦ કલાકે જિલ્લા વહીવટીતંત્ર કચ્છ અને ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા સંયુક્તપણે ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા પૂર્વે કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયાએ તિરંગા યાત્રાના સમગ્ર રૂટની રૂબરૂ મુલાકાત લઈને ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.‌ કલેક્ટરશ્રીએ મહાત્મા ગાંધી પ્રતિમા (ગાંધી માર્કેટ) થી શરૂ થઈ મુખ્ય બજાર, ભાઈપ્રતાપજી સર્કલ અને ત્યાંથી સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમા થઈ ઝંડાચોક સુધીના રૂટની જાત મુલાકાત લઈને સમીક્ષા કરી હતી.

તિરંગા કાર્યક્રમના સુચારું આયોજન અને સંકલન માટે કચ્છ કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાએ માર્ગોની સફાઈ માટે અલાયદી ટીમ, ટ્રાફિક મેનેજમેન્ટ અને રૂટ ડાયવર્ઝન, સામાજિક સંસ્થાઓના સ્ટોલ અને સ્ટેજ, પીવાના પાણીની પર્યાપ્ત વ્યવસ્થા વગેરે બાબતોની સમીક્ષા કરીને માર્ગદર્શન આપ્યું હતું. કાયદો અને વ્યવસ્થાની જાળવણી અંગે કચ્છ કલેક્ટરશ્રીએ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાથે વિસ્તૃત ચર્ચા કરીને આયોજનબદ્ધ રીતે કામગીરી કરવા જણાવ્યું હતું. તિરંગા યાત્રામાં ખાસ કરીને નાગરિકોને ઉત્સાહભેર જોડવા જણાવીને કલેક્ટરશ્રીએ ઉમેર્યું હતું કે, આ આયોજનમાં ગાંધીધામ અને કચ્છના તમામ નાગરિકો મોટી સંખ્યામાં અને હર્ષોલ્લાસ સાથે સહભાગી થાય તે માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ તિરંગા યાત્રા કાર્યક્રમમાં નાગરિકો, બીએસએફ સહિત મિલિટ્રી અને પેરા મિલિટ્રી ફોર્સિસ, શાળાના વિદ્યાર્થીઓ, એન.સી.સી. કેડેટ્સ, પોલીસ જવાનો અને વિવિધ સમાજના લોકો ઉત્સાહભેર જોડાશે.

આ મુલાકાત દરમિયાન અંજાર પ્રાંત અધિકારીશ્રી એસ.જે.ચૌધરી, નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી સંજયકુમાર રામાનુજ, ગાંધીધામ મામલતદારશ્રી જાવેદ સિંધી, યુવા વિકાસ અધિકારીશ્રી દેવાંશી ગઢવી સહિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.