માઈક્રો અને સ્મોલ એન્ટરપ્રાઈઝ ફેસિલિટેશન કાઉન્સિલ, કચ્છ દ્વારા ૨૭ કેસોનો નિકાલ કરી રૂ. ૧.૨૫ કરોડથી વધુનીરકમ અરજદારોને પરત અપાવવામાં સફળતા
કેન્દ્ર સરકારના MSMED Act-2006 હેઠળ માઈક્રો અને સ્મોલ કેટેગરીમાં આવતા તેમજ મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ
સેક્ટરમાં કાર્યરત એકમોને તેમના રાજ્ય તેમજ આંતરરાજ્ય સ્તરના વેપાર-વ્યવહારમાં બાકી રહેલી રકમ વ્યાજ સહિત
પરત મળી રહે તે માટે માઈક્રો, સ્મોલ એન્ટરપ્રાઈઝ ફેસિલિટેશન કાઉન્સિલની જોગવાઈ કરવામાં આવી છે. આ અંતર્ગત
કચ્છ જિલ્લામાં માઈક્રો, સ્મોલ એન્ટરપ્રાઈઝ ફેસિલિટેશન કાઉન્સિલની રચના કરવામાં આવી છે.
કચ્છ જિલ્લા કક્ષાની કાઉન્સિલના અધ્યક્ષ તરીકે નિવાસી અધિક કલેક્ટરશ્રી સભ્ય સચિવ તરીકે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના
જનરલ મેનેજરશ્રી કે.પી. ડેર, તેમજ સભ્યો તરીકે જિલ્લા સરકારી વકીલશ્રી, લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરશ્રી અને ગાંધીધામ
ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખશ્રી તેજાભાઈ કાનગડ કાર્યરત છે.
જે અંતર્ગત તા. ૧૦ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ નિવાસી અધિક કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં માઈક્રો, સ્મોલ એન્ટરપ્રાઈઝ
ફેસિલિટેશન કાઉન્સિલ, કચ્છની સુનાવણી યોજાઈ હતી. સુનાવણી દરમિયાન સભ્ય સચિવશ્રી કે.પી. ડેર તથા
સભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં કુલ ૮૮ કેસોમાં બંને પક્ષકારોને સાંભળી સમાધાનના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
કાઉન્સિલની અસરકારક કામગીરીના પરિણામે કુલ ૨૭ જેટલા કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો હતો. આ
કેસોના નિકાલના પરિણામે અરજદારોને કુલ રૂ. ૧,૨૫,૦૯,૨૭૭/- જેટલી બાકી રકમ પરત મળવામાં સફળતા મળી છે.
કાઉન્સિલ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કામગીરીથી માઈક્રો અને સ્મોલ એન્ટરપ્રાઈઝિસને તેમના બાકી નાણાંની
વસૂલાતમાં ઝડપી અને અસરકારક નિવારણ મેળવવામાં મદદ મળી છે. કાઉન્સિલની આ કામગીરી અંગે સંબંધિત એકમો
દ્વારા સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
માઈક્રો અને સ્મોલ ઉદ્યોગોના હિતોના રક્ષણ તથા બાકી નાણાંની વસૂલાત માટે કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આવી
કામગીરીને વધુ અસરકારક રીતે આગળ ધપાવવામાં આવશે.