મુન્દ્રા ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી લઈને યોજાયું ગ્રાઉન્ડ રિહર્સલ

15 august programme kachchh district  2026 (4)

  ૮૦માં સ્વાતંત્ર્યપર્વની જિલ્લાકક્ષાની ઉજવણી આન-બાન-શાનથી થાય તે માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા માટે આજરોજ મુન્દ્રા ખાતે સ્વાતંત્ર્ય પર્વની તૈયારીઓનું ગ્રાઉન્ડ રીહર્સલ યોજવામાં આવ્યું હતું. આ રિહર્સલ દરમિયાન કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાએ ધ્વજવંદન કરીને તિરંગાને સલામી આપી હતી. પોલીસ પરેડનું નિરીક્ષણ કરીને કલેક્ટરશ્રીએ વિવિધ સ્કૂલના બાળકો દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમોને નિહાળ્યા હતા. સ્વાતંત્ર્ય પર્વના મિનિટ ટુ મિનિટ ધ્વજ વંદન રિહર્સલ કાર્યક્રમને કલેક્ટરશ્રીએ નિહાળ્યો હતો. કલેક્ટરશ્રીએ સરકારશ્રીના નિયત પ્રોટોકોલ અનુસાર જિલ્લાકક્ષાની ઉજવણી કરવા સંબંધિત વિભાગના તમામ અધિકારીશ્રીઓને સૂચનાઓ આપી જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

     કચ્છના જિલ્લાકક્ષાના ૮૦માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને ધ્વજવંદન કરશે. મુન્દ્રા ખાતે આયોજિત જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં નાગરિકો સહભાગી બને એવો અનુરોધ જિલ્લા વહીવટીતંત્ર કચ્છ દ્વારા કરવામાં આવ્યો છે. આ પ્રસંગે વિવિધ શાળાના બાળકો દ્વારા રજૂ કરાયેલ વિવિધ સાંસ્કૃ‍તિક કાર્યક્રમોમાં દેશભક્તિનો અનેરો માહોલ સર્જાયો હતો. ઉલ્લેખનીય છે મુન્દ્રા શહેરમાં ગુજરાત ઘેટા અને ઉન વિકાસ નિગમ લિમિટેડના મેદાન ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવનારી છે.

        આ સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણીના રિહર્સલ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા, મુન્દ્રા એસએસપીશ્રી ગૌતમ વિવેકાનંદન, નિવાસી અધિક કલેક્ટરશ્રી પાર્થ કોટડિયા, મુન્દ્રા પ્રાંત અધિકારીશ્રી ભગીરથસિંહ ઝાલા, મામલતદારશ્રી કલ્પનાબેન ગોંદિયા સહિત વિદ્યાર્થીઓ તેમજ પોલીસ વિભાગની વિવિધ પ્લાટુન તેમજ વિવિધ સંબંધિત વિભાગના અધિકારીગણ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.