ટંકારાના મામલતદારના ભુજ સ્થિત બંધ મકાનમાંથી 2.53 લાખની તસ્કરી
copy image

મોરબી તાલુકાના ટંકારામાં મામલતદાર તરીકે ફરજ બજાવતાના ભુજના જૂની રાવલવાડીના આશાપુરા સોસાયટીનાં બંધ મકાનનાં તાળાં તોડી તસ્કરો ઘરેણા અને રોકડ સહિત કુલ્લે રૂા. 2,53,000ની ચોરી કરી ગયાનો બનાવ સપાટી પર આવ્યો છે. આ અંગે મળતી માહિતી અનુસાર ભુજના એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમની ટંકારા ખાતે નોકરી હોતા તા. 29-6ના ઘરના તમામ દરવાજાને તાળાં લગાવી પરિવાર સાથે ત્યાં ચાલ્યા ગયા હતા. તા. 14-8ના પાડોશી જ્યોતિબા આંગણામાં લીંબુના ઝાડ ઉપરથી લીંબુ તોડવા જતા ત્યાં અમારા ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હોવાનું જોતાં ફરિયાદીના પત્નીને ફોન કરી જાણ કરતાં તેઓ પરિવાર સાથે ભુજ આવીને ઘરે જોતાં સામાન વેરવિખેર હતો. અજાણ્યા ચોરે ત્રણ તોલાના બે સોનાના સેટ કિં. રૂા. 1,35,000 તેમજ ચાંદીના સાત કંદોરા, સાત જુડા, ગિફટમાં મળેલી ગાયની મૂર્તિ, તુલસી કયારો, ગણપતિની મૂર્તિ, વાટકી, ટબુડી, દીવડા, છત્તર વિગેરે તમામની આશરે કિં. રૂા. 93,000 તથા રોકડા રૂા 25000 એમ કુલ્લે રૂા. 2,53,000ના મુદ્દામાલની ચોરી થયાનું ફરિયાદમાં લખાવ્યું છે. પોલીસે ફરિયાદ નોંધી વધુની તપાસ હાથ ધરી છે.