અંજારના તુણામાં વૃધ્ધાના હત્યાના પ્રયાસ સાથે 20 હજારની લૂંટથી દોડધામ

અંજાર તાલુકાના તુણામાં વૃધ્ધામાં હત્યા નીપજાવવાના પ્રયાસ સાથે બે અજાણ્યા આરોપીએ ઘર ધુસીને રોકડા સહિતની મતાની લૂંટ ચલાવી હોવાના બનાવને પગલે પોલીસ બેડામાં ભારે દોડધામ મચી હતી. આ અંગે મળતી માહિતી મુજબ ઠકકરવાસ વિસ્તારમાં જલારામ મંદિર વાળી શેરીમાં આવેલા મકાનમાં ગઈકાલે રાત્રે 2.15 થી 2.30 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. આ બનાવ અંગે ફરીયાદીને ટાંકીને પોલીસે કહ્યું હતુ કે ફરીયાદીના જુના મકાનમાં તેમના માતા તથા તેમના બહેન રહેતા હતા.બે અજાણ્યા ઈસમો ફરીયાદીના મકાનના દરવાજાને લાત મારીને અંદર પ્રવેશ્યા હતા. લૂંટારૂઓએ ફરીયાદીની માતાને જગાડીને નાંણાની માંગણી કરી હતી. તેમને નાંણા આપવાની ના પાડતા આરોપીઓએ આ વૃધ્ધાના ઓશિકાથી મોઢુ તથા હાથ થી ગળુ દબાણીને નાંણાની માંગણી કરી જાન થી મારી નાખવાની ધમકી આપી હતી.ગુંગળામણ થતા વૃધ્ધાએ સ્ટીલના ડબ્બામાં પૈસા હોવાનુ જણાવ્યું હતું.લૂંટારૂઓ સ્ટીલ ડબ્બામાંથી રોકડા રૂા.15 હજાર,પ્લાસ્ટીકના ડબ્બમાં પડેલા પાકિટમાંથી રોકડા રૂા. 5 હજાર તેમજ નોકિયાનો મોબાઈલ કિં.રૂા.500 સાથે કુલ રૂા. 20500 માલમતાની લૂંટીને પલાયન થયા હતા. આરોપીઓ એ મહિલાના હાથમાં રહેલી પીતળની સોના જેવી દેખાતી બે બંગળીઓ પણ કાઢી ગયા હતા.તેમજ ચાવીનો ઝૂડો લઈને અન્ય રૂમ ખોલી તેમાંથી સામાન વેર વિખેર કર્યો હતો. લૂંટારૂઓ સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થયા હતા. 20 -25 વર્ષ ના લાગતા આરોપી યુવાનને કાળા રંગનો શર્ટ અને પેન્ટ પહેરેલ હતી.તેમજ અન્ય આરોપીએ સફેદ શર્ટ અને પેન્ટ પહેરી હતી.જેની ઉંમર 30-35 વર્ષ જેવી લાગી હતી. આ બનાવને અંજામ આપતા પહેલા આરોપીઓ મકાનની બહાર પાંચ મીનીટ બહાર ઉભા રહયા હતા. મધરાત્રે ઘરમાં ધુસીને લૂંટ ચલાવવાના મામલે પોલીસ બેડામાં ભારે દોડધામ મચી હતી.કંડલા પોલીસે જુદી-જુદી ટીમો બનાવીને ગુન્હાનુ પગેરૂ મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરી છે.