કચ્છ: સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વચ્ચે પણ આરોગ્યની પ્રાથમિક સુવિધાઓ માટે સંઘર્ષ; ખાવડા CHC અને બિસ્માર રસ્તાઓના મુદ્દે ૨૪ તારીખે કલેક્ટર કચેરીએ ભીમ આર્મી દ્વારા અપાશે આવેદનપત્ર

ભીમ આર્મી ભારત એકતા મિશન સંગઠન દ્વારા કચ્છ જિલ્લામાં પ્રજાના પાયાના પ્રશ્નો અને ખાસ કરીને આરોગ્ય તેમજ બિસ્માર માર્ગોની સમસ્યાઓને લઈને એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને સરહદી વિસ્તારમાં કથળેલી આરોગ્ય સેવાઓ સામે અવાજ ઉઠાવવાનો સંકલ્પ લેવાયો હતો.
આ બેઠકમાં પોતાના વિચારો રજૂ કરતાં ઈકબાલભાઈ જત એ જણાવ્યું હતું કે, દેશ ૮૦મો સ્વતંત્રતા દિવસ ઉજવી ચૂક્યો હોવા છતાં આજે પણ સરહદી કચ્છના લોકોને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. તેમણે ઉમેર્યું કે, ખાવડા સ્થિત સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (CHC)ની મુલાકાત દરમિયાન સામે આવ્યું હતું કે ત્યાંના મેડિકલ ઓફિસરે ખુદ લેખિતમાં ઉચ્ચ સ્તરે રજૂઆત કરી છે કે એક્સ-રે મશીન, નર્સિંગ સ્ટાફ સહિત ૧૦ જેટલી પાયાની સુવિધાઓનો લાંબા સમયથી અભાવ છે, જેના કારણે સ્થાનિક લોકો સારવારથી વંચિત રહી રહ્યા છે.
જ્યારે અનીશભાઈ જુણેજાએ કાર્યકરોની આ બેઠક અને ખાવડા CHC સેન્ટરની વાસ્તવિક પરિસ્થિતિ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં જરૂરી સાધનો તેમજ ડોક્ટરો અને નર્સોની ભારે ઘટ છે. આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે આગામી ૨૪ તારીખે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવશે. તેમણે આ લડતમાં સમગ્ર કચ્છમાંથી લોકોને મોટી સંખ્યામાં જોડાવવા અપીલ કરી હતી.
આ ઉપરાંત બેઠકમાં હરિ પરમાર અને લક્ષમણભાઈ વાઘેલાએ પણ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. જેમાં જણાવાયું હતું કે, કચ્છમાં છેલ્લા એક વર્ષથી પ્રાથમિક અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રો (PHC/CHC)ની સુવિધાઓ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં વહીવટી તંત્રના પેટનું પાણી હલતું નથી. આ સાથે જિલ્લામાં ઓછા વરસાદ છતાં રોડ-રસ્તાઓની અત્યંત ખરાબ હાલત થઈ ગઈ છે.
આ તમામ લોકપ્રશ્નોને વાચા આપવા માટે આગામી ૨૪ તારીખે અંદાજે ૫,૦૦૦ જેટલા લોકો સાથે મળીને કચ્છ કલેક્ટર તેમજ જિલ્લા આરોગ્ય શાખાને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરશે. જ્યાં સુધી આરોગ્ય અને રસ્તા સહિતના પાયાના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ લડત ચાલુ રાખવાનો બેઠકમાં એકસૂરે નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે આ બેઠક માં ભીમ આર્મી ભારત એકતા મિશન ગુજરાત રાજ્ય ઉપાધ્યક્ષ, ઇકબાલભાઈ જત, કચ્છ જિલ્લા અધ્યક્ષ હરિભાઈ પરમાર, કચ્છ જિલ્લા પ્રભારી લક્ષમણભાઈ વાધેલા, કચ્છ જિલ્લા ઉપાધ્યક્ષ અનીશભાઈ જુણેજા, દેવભાઈ મણવર, માવજીભાઈ મહેશ્વરી, નરેશભાઈ ભોઈયા, હીરજી ભાઈ ભદ્રૂ હરેશભાઇ મહેશ્વરી, માવજી હિંગણા, માલશી માતંગ, ધરકાસ મોખા, પારુબેન શેખવા, ભારતીબેન ગરવા વગેરે ટીમના લોકો ઉપસ્થિત રહ્યા હતા