*કચ્છ જિલ્લા ભાજપ દ્વારા આયોજીત જીલ્લાસ્તરના પ્રશિક્ષણ વર્ગને આજરોજ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે ખુલ્લું મુકાયું*

ભારતીય જનતા પાર્ટીની મૂળભૂત રાષ્ટ્રવાદી વિચારધારા, સ્વયંશિસ્ત, રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણના અનન્ય સંકલ્પ સહિત સંગઠનાત્મક મજબૂતાઈની પાઠશાળા સમાન જિલ્લા પ્રશિક્ષણ વર્ગના ઉદઘાટન સત્રમાં કાર્યકરોને અદમ્ય જોમ અને જુસ્સાથી તરબતર કરવા માટે ખાસ પધારેલા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી વિશ્વકર્માએ વર્ગ ખાતે પધારીને સૌ પ્રથમ વૃક્ષારોપણ કર્યા બાદ તેઓના હસ્તે કચ્છની સંસ્કૃતિની ઝાંખી દર્શાવતી પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે કચ્છની વીરાંગનાઓનો રાષ્ટ્રપ્રેમ, વાજપેયીજીની કચ્છ મુલાકાત, મોદીજીની નર્મદા નીરના વધામણાની ગવાહી પૂરતી તસવીરો નિહાળીને અભિભૂત થયા હતા.
પ્રશિક્ષણ વર્ગના પ્રારંભે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે સૌને આવકારતા જણવ્યું હતું કે કચ્છ ભાજપના સૌ કાર્યકરો હંમેશા લોકોની સેવામાં ખડેપગે રહ્યા છે અને કચ્છનો સમગ્ર ઇતિહાસ રાષ્ટ્રપ્રેમથી રંગાયેલો છે ત્યારે આપણે સૌએ સરહદના જાગ્રત પ્રહરી બનીને આપણી વતનપરસ્તી પેઢી દર પેઢીમાં ઉતારવી અનિવાર્ય છે.
આ ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગના પ્રથમ સત્ર, કાર્યકર્તા વિકાસ, સંભાળ અને દાયિત્વ બોધના વિષય પર પ્રદેશ પ્રમુખ શ્રી વિશ્વકર્માએ ખુબ જ ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે પ્રશિક્ષણ એટલે કે સ્વનો સ્વ સાથેનો પરિચય. એક કાર્યકર્તા તરીકે આપણું પ્રધાન દાયિત્વ એટલે કે એક સમાજ અને રાષ્ટ્રની સેવાકાજે એક સારા વ્યક્તિનું ઘડતર થવું. ભાજપનો પ્રત્યેક કાર્યકર કદાપિ સતાલક્ષી કાર્ય કરતો નથી બલ્કે તેના અંતરમનમાં સેવાનો ભાવ અહર્નિશ પ્રજ્જવલિત હોય છે. કાર્યકરોના વાણી, વર્તન અને વ્યવહાર પર વિશેષ ભાર રાખીને તેમણે સંગઠનની મજબૂતી માટે ચાર પ્રકારના P અર્થાત પિકઅપ, પિનઅપ, પુલઅપ અને પુશઅપ નું આગવું મહત્વ સમજાવ્યું હતું.
વિશેષમાં પ્રદેશ અધ્યક્ષશ્રીએ ઉમેર્યું હતું કે દેશની જનતા જનાર્દને જયારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની નેતૃત્વ વાળી કેન્દ્ર સરકારને હંમેશા ખુલ્લા મનથી આવકારી છે ત્યારે આપણા સૌની સવિશેષ જવાબદારી બની રહે છે કે રાષ્ટ્ર પ્રથમના આદર્શ પથ પર આપણે સૌ સાથે મળીને અગ્રેસર બનીએ અને ભારતને 2047 માં વિકસિત રાષ્ટ્ર બનાવીએ.
ઉદ્ઘાટન સત્રના અધ્યક્ષ તરીકે પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી રહ્યા હતા જ્યારે સત્ર સંચાલન જીલ્લા ભાજપ મહામંત્રી હિતેશભાઈ ખંડોરે કર્યું હતું.
પ્રશિક્ષણ વર્ગના બીજા સત્રમાં “ભાજપના ઇતિહાસ અને વિકાસ” વિષય પર સંબોધન કરતા ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ભાજપનો રાષ્ટ્ર પ્રત્યેનો ખૂબ ઉજળો ઇતિહાસ રહ્યો છે જેમાં ભાજપનો એકએક કાર્યકર હંમેશા રાષ્ટ્ર માટે સમર્પિત રહ્યો છે. સંઘર્ષથી સફળતા સુધીની ભાજપની આજની આ સફર કાંઈ રાતોરાત સુનિશ્ચિત થયેલ નથી. લાખો કાર્યકરો, હજારો વડીલોના ત્યાગ, તપ અને પરિશ્રમ કારણભૂત છે.
બીજા સત્રમાં સત્રના અધ્યક્ષ તરીકે પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઈ ત્રિવેદી રહ્યા હતા જ્યારે સત્ર સંચાલન જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ વિકાસભાઈ રાજગોરે કર્યું હતું.
પ્રથમ દિવસના વર્ગના અંતે રાત્રે સુંદર કચ્છી સાંસ્કૃતિક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજભાઈ ગઢવી, દિવાળીબેન આહિર, મહેશ ગઢવી સહિતના કલાકારોએ પ્રદેશ અધ્યક્ષશ્રી સહિતના સર્વે શ્રોતાઓને કચ્છી સાહિત્ય પીરસીને જકડી રાખ્યા હતા. આ પ્રસંગે પ્રદેશ ભાજપ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ પણ ડાયરામાં ઉપસ્થિત રહ્યા હતા.
પ્રશિક્ષણ વર્ગના આજના આ ઉદ્ઘાટન સમારોહમાં પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, જિલ્લા ભાજપ પ્રભારી ફલજીભાઈ ચૌધરી, સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, ધારાસભ્યો કેશુભાઈ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, વીરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રીઓ ધવલભાઈ આચાર્ય, હિતેશભાઈ ખંડોર, ભીમજીભાઈ જોધાણી,વર્ગના વાલી એવા બનાસકાંઠા જીલ્લા ભાજપ પૂર્વાધ્યક્ષ ગુમાનસિંહ ચૌહાણ, પૂર્વ રાજ્ય મંત્રી વાસણભાઇ આહીર, પૂર્વ સાંસદ પૂનમબેન જાટ, પૂર્વ ધારાસભ્યો પંકજભાઈ મહેતા, રમેશભાઈ મહેશ્વરી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રશિક્ષણ વર્ગના ઇન્ચાર્જ તરીકે વિકાસભાઈ રાજગોર જ્યારે સહ ઇન્ચાર્જ તરીકે આણદાભાઈ આહીર અને પારૂલબેન કારાએ જવાબદારી નિભાવી હોવાનું જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી તેમજ મીડિયા વિભાગના દીપકભાઈ ડાંગરની સંયુક્ત યાદીમાં જણાવાયું હતું.