ભારત સામે ફરી પાક.ની કાગારોળ
સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં કાયમી સદસ્યતા માટે ભારતની દાવેદારીનો અળવીતરા પાકિસ્તાને વિરોધ કર્યો છે. યુનોમાં પાકિસ્તાનના કાયમી પ્રતિનિધિ રાજદૂત આસિમ ઇફ્તિખાર અહમદે જણાયું હતું કે, તેમના પાડોશી દેશ (ભારત) પાસે સુરક્ષા પરિષદમાં કાયમી બેઠકનો દાવો કરવા માટે કોઈ યોગ્યતા નથી. પાકિસ્તાન ટીવી ડિજિટલના એક કાર્યક્રમમાં બોલતાં અહમદે જણાવ્યું હતું કે, સુરક્ષા પરિષદમાં બેઠક ઇચ્છતા દેશોના મતદાન રેકોર્ડ, સુરક્ષા પરિષદના અગાઉના ઠરાવોનું પાલન અને યુએન ચાર્ટર પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાની તપાસ કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે, ભારત સહિત ઘણા એવા દેશો છે જેમની પાસે સુરક્ષા પરિષદની કાયમી સભ્યપદનો દાવો કરવા માટે પણ કોઈ યોગ્યતા નથી. પાકિસ્તાની રાજદૂતે જણાવ્યું કે, ભારત, જર્મની, જાપાન અને બ્રાઝિલના જી-ફોર જૂથ દ્વારા નવી કાયમી બેઠકોની માગનાં કારણે જ છેલ્લા બે દાયકાથી સુધારાની પ્રક્રિયા અટકી છે. અમારું માનવું છે કે આ એક અન્યાયી માગ છે અને માત્ર અન્યાયી જ નહીં, પરંતુ અવ્યવહારુ પણ છે.