કચ્છ જીલ્લા ભાજપ દ્વારા આયોજીત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાનનો દ્વિતીય દિવસ સંપન્ન

67658c15-c5ff-42bd-9d02-01c5eab2d083

કચ્છ જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજયેલ પંડીત દિનદયાલ ઉપાઘ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન ૨૦૨૬ ના ત્રીદિવસીય પ્રશિક્ષણ વર્ગના આજરોજ દ્વિતિય દિવસે ત્રણ ત્રણ પ્રદેશ મહામંત્રીઓ સહિત વિવિધ આગેવાનોએ ઉત્કૃષ્ટ માર્ગદર્શન આપ્યું હતું.
આજના બીજા દિવસે અલગ અલગ વિષયો અંતર્ગત કુલ સાત સત્રો યોજાયા હતા.

આ અવસરે પ્રદેશથી ખાસ પધારેલા ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રીઓ અનિરુદ્ધભાઈ દવે, પ્રશાંતભાઈ કોરાટ તેમજ હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિતના સર્વે વકતાઓને કચ્છ જિલ્લા ભાજપ અઘ્યક્ષ દેવજીભાઈ વરચંદે ઉષ્માપૂર્ણ અભિવાદન પાઠવીને સ્વાગત કર્યુ હતું.

દ્વિતિય દિવસના પ્રથમ અર્થાત્ વર્ગના ત્રીજા સત્રમાં ગુજરાતના પુર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ મોદી સરકારની ગરીબ કલ્યાણ યોજનાઓના વિષય પર માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે પંડીત દિનદયાલ ઉપાઘ્યાયજીનો ધ્યેય રાષ્ટ્રના અંત્યોદયથી રાષ્ટ્ર ઉદયનું નિર્માણ થાય એવો હતો જેથી એ જ નકશે કદમ પર ચાલતી મોદી સરકારની તમામ યોજનાઓનો લાભ આજે છેવાડાના વ્યક્તિને બખૂબી મળી રહ્યો છે. દેશના ૨૫ કરોડ લોકો ગરીબી રેખા પાર કરી ચૂક્યા છે અને માનભેર જીવન જીવી રહ્યા છે.

વર્ગના ચોથા સત્રમાં વકતા તરીકે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અનીરૂધ્ધભાઈ દવેએ “કાર્ય વિસ્તારની આપણી દ્રષ્ટિ” વિષય પર અભ્યાસુ છણાવટ કરતા જણાવ્યું હતું કે આપણે સત્તા માટે નહી પરંતુ સત્યમ, શિવમ, સુન્દરમ અને રાષ્ટ્રના ઉત્થાન માટે લડી રહયા છીએ. આપણા વિચારો અને આપણી પરંપરાઓનું પેઢી દર પેઢી વહન થતું રહે અને ઉત્તરોત્તર ક્ષમતાઓનું વર્ધન થતું રહે એ હેતુથી અભ્યાસ વર્ગ યોજવામાં આવે છે.

આપણી મુળ વિચારધારા “इदं राष्ट्राय इदं न मम” અને ચરૈવેતિની ભાવના કાયમ ટકાવી રાખવા માટે આપણા આ રાષ્ટ્રવાદી કમળની ફોરમને વિશ્વવ્યાપી પ્રસરાવવા માટે આપણે સદૈવ સંકલ્પબદ્ધ બની રહેવું ઘટે છે.

પાંચમા સત્રમાં વકતા તરીકે પધારેલા પ્રદેશ મીડીયા વિભાગના ડો. હેમંતભાઈ ભટ્ટે “મીડીયા પ્રબંધન” વિષય પર માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે મીડીયા એ લોકશાહીની ચોથી જાગીર છે જેના થકી જ આપણા કાર્યો, આપણી પ્રજાલક્ષી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે છે. મીડિયાના સેવાયોગી મિત્રો સાથે વાણી, વર્તન અને વ્યવહારમાં પરિવારના ભાવ જેવો સંબંધ બનાવી રાખવો એ ખૂબ જ મહત્વની બાબત છે.

છઠ્ઠા સત્રમાં ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટે “દેશ સમક્ષના આંતરિક પડકારો તથા તેના નિદાન માટેના આપણા પ્રયત્નો” એ વિષય પર ખુબ જ ઉંડાણપૂર્વક માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે આપણી સામે આતંકવાદ, સરહદ પર અતિક્રમણ સહિતના અનેક આંતરિક પડકારો છે ત્યારે આવા તમામ પડકારોને ભરી પીવા અને તેમનું કાયમી નિરાકરણ કરવા માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળની આપણી સરકાર સંપૂર્ણ સજ્જ અને સાવધાન છે.

દેશની ફરતે સર્વત્ર બોર્ડર ફેન્સીંગનું કામ કરીને રાષ્ટ્રની સુરક્ષાને સુનિશ્ચિત કરી છે. વખત આવ્યે અદમ્ય શૌર્ય અને બહાદુરી દાખવીને સર્જીકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક અને ઓપરેશન સિંદુર જેવા વળતા પ્રહારો વડે જડબાતોડ ઉતર આપીને આજે આપણે આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતી અપનાવીને હિંમતથી આગળ વધી રહ્યા છીએ.

સાતમા સત્રમાં ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણે “ભાજપની કાર્ય પધ્ધતિ” વિષય પર ઉદ્બોધન આપતા જણાવ્યું હતું કે કાર્યકર અને બુથ એ આપણી કાર્ય પધ્ધતિની મુખ્ય બે ધરી છે. આ ઉપરાંત ભાજપમાં અનુસાશન જ સર્વોપરી છે અને તેને જાળવી રાખવો આપણી પરંપરા છે.

કાર્યકરોના મનમાં અવિરત સમાયેલી પ્રવાસ અને પરિવારની ભાવના એ જ આપણી કાર્ય પધ્ધતિ નો મુખ્ય ભાગ છે જેમાં વૃદ્ધિ અને વિસ્તારના હેતુથી જ આવી કાર્યશાળા યોજવામાં આવે છે. કાર્યશાળાઓ વાસ્તવમાં કાર્યકરો માટેની સંગઠનાત્મક પાઠશાળા ગણાય છે.

જામનગરના પૂર્વ ભાજપ અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચાએ આઠમા સત્રમાં “પાર્ટીના સૈદ્ધાન્તિક અધિષ્ઠાન” વિષય પર વિસ્તૃતમાં જણાવ્યું હતું કે પાર્ટીના દિગ્ગજ નેતાઓએ કેટલીય તકલીફો વેઠીને પાર્ટીનો મજબૂત સૈદ્ધાન્તિક પાયો નાંખ્યો છે જેની ફળશ્રુતિ રૂપે પાર્ટી આજે આ ઉચ્ચ સ્થાન પર પહોંચી શકી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભારત માતા કી જય એ ભાજપની મૂળભૂત ફિલસૂફી છે જે આપણા જાજરમાન ભૂતકાળથી લઈને સ્વર્ણિમ ભવિષ્ય સુધીની સાંસ્કૃતિક રાષ્ટ્રવાદયુક્ત પરિકલ્પના સાકાર કરે છે.

નવમા અને આજના દિવસના અંતિમ સત્રના વક્તા તરીકે અમદાવાદ જીલ્લા ભાજપ પ્રભારી કશ્યપભાઈ શુક્લાએ વિચાર પરિવાર અંગે વિસ્તૃત માહિતી પુરી પાડતા જણાવ્યું હતું કે સંઘ વિચારધારા સાથે સંકળાયેલી સંસ્થાઓ અને સંગઠનો એ એક વિચાર પરિવાર છે અને આ વિચારને સમજવો ખુબ જ મહત્વપૂર્ણ છે. ભાજપ અને સાથે સંલગ્ન તમામ સંસ્થાઓનો અંતિમ ઉદ્દેશ ભારત એક મહારાષ્ટ્ર બને અને તેની ગરિમા આસમાનને સ્પર્શે તથા મા ભારતી વિશ્વને નવી રાહ ચીંધે એટલી જ છે.

આવતીકાલે પ્રશિક્ષણ વર્ગના છેલ્લા દિવસે યોજાનાર બે સત્રમાં પ્રદેશ સોશ્યલ મીડિયા કન્વીનર પ્રિન્સભાઈ યાદવ ઉપસ્થિત રહીને સોશ્યલ મીડિયા, AI, નમો એપ તથ સરલ એપ વિશે સૌને માહિતગાર કરશે તેમજ પરિક્ષણ વર્ગના અગિયારમા અને અંતિમ સત્રમાં કરમસદ આણંદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મયુરભાઈ સુથાર “બુથ પ્રબંધન, સ્થાયી કાર્યક્રમ તેમજ મન કી બાત” વિશેસૌને ઉંડાણપૂર્વક માર્ગદર્શન આપશે.

આજે પ્રશિક્ષણ વર્ગના વિવિધ સત્રોમાં સત્ર અઘ્યક્ષ તરીકે વિવિધ ક્ષેત્રના મૂર્ધન્ય આગેવાનો પૈકી કિરણભાઈ ગણાત્રા, ગોપાલભાઈ ગોરસીયા, સુરેશભાઈ ગુપ્તા, કિરણભાઈ આહિર, ભરતભાઈ દરજી, કાનજીભાઈ મહેશ્વરી તથા વિનોદભાઈ સોલંકી ખાસ પધાર્યા હતા જ્યારે આવતીકાલના બે સત્રમાં સત્ર અધ્યક્ષ તરીકે ભરતભાઈ મહેતા અને ગંગારામભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.

આજના વિવિધ સત્રોનું સંચાલન હિતેશભાઈ ખંડોર, વિકાસભાઈ રાજગોર, પારૂલબેન કારા અને આણંદભાઈ આહિરે કર્યુ હતું.

આજના પ્રશિક્ષણ વર્ગમાં જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગા, પ્રભારી ફલજીભાઈ ચૌધરી, સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, ધારાસભ્યો કેશુભાઈ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, વિરેન્દ્રસિંહ જાડેજા, વર્ગના વાલી ખુમાનસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ મહામંત્રીઓ ધવલભાઈ આચાર્ય, હિતેશભાઈ ખંડોર, ભીમજીભાઈ જોધાણી, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઇ આહીર, પૂર્વ સાંસદ પૂનમબેન જાટ, પૂર્વ ધારાસભ્યો પંકજભાઈ મહેતા રમેશભાઈ મહેશ્વરી સહિતના અપેક્ષિત શ્રેણીના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

સમગ્ર પ્રશિક્ષણ વર્ગને સફળ અને શાનદાર બનાવવા માટે ભુજ શહેર ભાજપ પ્રમુખ મીતભાઈ ઠક્કર, ભુજ તાલુકા ભાજપ પ્રમુખ અશોકભાઈ બરાડિયા સહિત ભુજ શહેર અને તાલુકા ભાજપ સંગઠનની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા વિભાગના સાત્વિકદાન ગઢવી, ચેતનભાઈ કતીરા તેમજ દીપકભાઈ ડાંગરની સંયુક્ત યાદીમાં જણાવાયું હતું.