ભાવનગરના લઠ્ઠાકાંડ વચ્ચે ભચાઉમાં શંકાસ્પદ કેમિકલનો જથ્થો ઝડપાયાની ચર્ચા
ભાવનગર જિલ્લાના ખરકડી ગામમાં બનાવટી દારૂ પીવાના કારણે ત્રણ લોકોનાં મૃત્યુ થયાં બાદ પોલીસબેડામાં દોડધામ મચી હતી. આ બનાવને લઈને રાજ્યનું પોલીસતંત્ર એક્શન મોડમાં આવ્યું છે. દિવસભર પોલીસની દોડધામ વચ્ચે આ ઘટનાના તાર ભચાઉમાં જોડાયેલા હોવાનાં અનુમાન સાથે તપાસનો ઘમઘમાટ આદરવામાં આવ્યો છે. પોલીસે ભચાઉમાંથી શંકાસ્પદ કેમિકલનો જથ્થો ઝડપી પાડયો હોવાના અહેવાલ સામે આવ્યા હતા. ભાવનગરના નકલી દારૂકાંડ બાદ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ એરપોર્ટ ખાતે ઉચ્ચપોલીસ અધિકારીઓ સાથે તાકીદે બેઠક યોજી સ્થિતિ સમીક્ષા સાથે જરૂરી ચર્ચા હાથ ધરી હોવાની વિગતો પણ સાંપડી હતી. રાજ્યભરના ચકચાર જગાવનારા આ પ્રકરણ બાદ પૂર્વ કચ્છ પોલીસે ભચાઉના ભવાનીપુર વિસ્તારમાંથી 200થી 300 લિટર શંકાસ્પદ કેમિકલનો જથ્થો ઝડપી પાડયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.અબલત્ત આ અંગે કેમિકલના પુથક્કરણ અહેવાલ બાદ વધુ વિગતો સપાટી ઉપર આવી શકશે. જો કે, આ અંગે સત્તાવાર વિગતો ઉપર આવી ન હતી. આ શંકાસ્પદ કેમિકલના જથ્થાનો તાર ભાવનગર સાથે જોડાયેલો હોવાનું પણ ચર્ચાએ જોર પકડયું છે. પૂર્વ કચ્છ પોલીસની કાર્યવાહી સંદર્ભે પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમારનો સંપર્ક કરતાં તેમણે ફોન ન ઉપાડતા વધુ વિગતો સાંપડી ન હતી.