મા-બાપ સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે

‘વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસ’ પૂર્વે એક મહત્ત્વપૂર્ણ નિર્દેશમાં સર્વોચ્ચ અદાલતે બુધવારે જણાવ્યું હતું કે, વરિષ્ઠ નાગરિકો જરૂર પડયે પોતાનાં સંતાનોને સંપત્તિમાંથી બેદખલ કરી શકે છે. સુપ્રીમકોર્ટે જણાવ્યું હતું કે, વધતી ઉમરનો મતલબ અસુરક્ષા અથવા અપમાન ન હોવો જોઇએ, દરેક વ્યક્તિને જીવનભર ગરિમા સાથે જીવવાનો અધિકાર છે. જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને આલોક અરાધેની ખંડપીઠે કહ્યું હતું કે, કાયદાનો હેતુ વડીલોની ગરિમા અને સુરક્ષા નક્કી કરવાનો છે. સભ્ય સમાજનું સ્તર એ વાતથી નક્કી થાય છે કે, સમાજ પોતાના વડીલોને કેટલી ગરિમા, સન્માન અને સુરક્ષા આપે છે. સુપ્રીમકોર્ટે અલાહાબાદ હાઇકોર્ટનો એ ચુકાદો રદ કરી નાખ્યો હતો, જેમાં પુત્ર અને પુત્રવધૂને મકાનથી બેદખલ કરવાના ટ્રિબ્યૂનલ કોર્ટના આદેશને રદ કરી દેવાયો હતો. સુપ્રીમે કહ્યું હતું કે, વડીલોની ગરિમા માટે ટ્રિબ્યૂનલ પાસે બાળકોને સંપત્તિના હક્કમાંથી બહાર કરવાનો આદેશ આપવાનો અધિકાર છે. લખનઉના રવિકાંત ગુપ્તાએ પોતાના પુત્રને પોતાની કમાણીમાંથી ખરીદેલા મકાનમાંથી કાઢવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટને અપીલ કરી હતી. અંતે મામલો સુપ્રીમમાં પહોંચ્યો હતો. હકીકતમાં એ મકાન અરજદાર રવિકાંત ગુપ્તાએ પોતાની કમાણીમાંથી ખરીદેલું હતું. ગુપ્તાના 81 વર્ષના માતાએ ઘર છોડીને વૃદ્ધાશ્રમમાં રહેવા માટે મજબૂર થવું પડયું, ત્યારે આ મામલો સામે આવ્યો હતો. મેજિસ્ટ્રેટ તરફથી 15મી નવેમ્બર, 2022ના પુત્રને મકાનમાંથી બેદખલ કરવાનો આદેશ આપ્યો હતો. જિલ્લા મેજિસ્ટ્રેટે નવ ઓગસ્ટ, 2023ના એ આદેશ બરકરાર રાખીને અરજદાર રવિકાંતના પુત્ર અને પુત્રવધૂને મકાન ખાલી કરવાનો નિર્દેશ આપ્યો હતો. પુત્ર અને પુત્રવધૂએ અલાહાબાદ હાઇકોર્ટમાં આ આદેશને પડકાર્યે હતો. હાઇકોર્ટે આદેશ રદ કર્યો હતો. સુપ્રીમે આજે ચાવીરૂપ ચુકાદામાં જણાવ્યું હતું કે, હાઇકોર્ટે ભૂલ કરી છે.