ભારત અને જાપાન વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે મોટો કરાર: રક્ષામંત્રી રાજનાથ સિંહ અને જાપાની સમકક્ષ શિંજીરો કોઈઝુમી વચ્ચે નવી દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠ
નવી દિલ્હી ખાતે ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ અને જાપાનના સંરક્ષણ મંત્રી શિંજીરો કોઈઝુમી વચ્ચે યોજાયેલી દ્વિપક્ષીય બેઠક દરમિયાન ભારત-જાપાન સંરક્ષણ સહયોગ પર એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ ઐતિહાસિક કરારથી હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને નવી મજબૂતી મળશે. બંને દેશોએ દરિયાઈ ડોમેન અવેરનેસ, માહિતીનું આદાન-પ્રદાન, નૌકાદળ વચ્ચે સંકલન તેમજ આપત્તિ રાહત અને બચાવ કામગીરીને વધુ મજબૂત કરવા માટે દરિયાઈ સુરક્ષા કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જાપાનની અદ્યતન ટેકનોલોજી અને ભારતની ઉત્પાદન ક્ષમતાને એકસાથે લાવીને સંરક્ષણ સાધનો, ટેકનોલોજી ટ્રાન્સફર તેમજ શિપબિલ્ડિંગ ક્ષેત્રે સહયોગ વધારવા પર સહમતિ સધાઈ છે. બંને મંત્રીઓએ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા, કાયદા આધારિત વ્યવસ્થા અને નેવિગેશનની સ્વતંત્રતા જાળવી રાખવાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. ઉપરાંત, કોઈપણ બળજબરીપૂર્વકના યથાસ્થિતિ બદલવાના પ્રયાસોનો સ્પષ્ટ વિરોધ નોંધાવ્યો હતો. ત્રણેય સેનાઓ વચ્ચેના સંયુક્ત અભ્યાસો, ખાસ દળો વચ્ચે આદાન-પ્રદાન અને લશ્કરી સહયોગને વધુ સુદ્રઢ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠક બંને દેશો વચ્ચેના ‘સ્પેશિયલ સ્ટ્રેટેજિક એન્ડ ગ્લોબલ પાર્ટનરશિપ’ને વધુ ઉંચાઈ પર લઈ જવા માટે નિર્ણાયક સાબિત થશે.