ગાંધીધામમાં યુવતીના મોતનું રહસ્ય: પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા હોવાનું ખુલ્યું પોલીસે ગુનો નોંધ્યો
ગાંધીધામ: ભારતનગર નજીક જનતા કોલોની-સોનલનગરમાં ભાડાના મકાનમાં રહેતી 24 વર્ષીય મિનાક્ષી લાલસિંઘ પરીહારનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી.
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામનગર ખસેડવામાં આવ્યો હતો, જ્યાં યુવતીના ગળામાં દુપટ્ટા જેવું કપડું વીંટળાયેલું જોવા મળ્યું હતું.
મૃતકના પિતા લાલસિંહ ધનસિંહ પરીહારે મધ્યપ્રદેશના ગૌરવ નામના યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પરિવારજનોના જણાવ્યા મુજબ 15 ઓગસ્ટની રાત્રે મિનાક્ષી સાથે વાત થયા બાદ ત્રણ દિવસ સુધી તેનો સંપર્ક થયો નહોતો. દરમિયાન 17 ઓગસ્ટ બાદ તે ઘરે જોવા મળી ન હતી અને ગૌરવ પણ ઘરેથી ગાયબ હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ સહિતની તપાસ હાથ ધરી છે. હત્યા પાછળનું કારણ અને અન્ય કડીઓ મેળવવા પૂર્વ કચ્છ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.