પાકિસ્તાનથી ગેરકાયદે ખજૂર મગાવવાના કેસમાં આરોપીના જામીન ફગાવાયા
પાકિસ્તાનથી દુબઇ (યુએઇ) મારફતે ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત સૂકું ખજૂર ભારતમાં આયાત કરી કરોડો રૂપિયાની દાણચોરી કરવાના બહુચર્ચિત પ્રકરણમાં ગાંધીધામની પાંચમી અધિક સેશન્સ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. અદાલતે આરોપીની જામીન અરજી આકરાં વલણ સાથે નકારી છે. ડીઆરઆઇ દ્વારા કરવામાં આવેલી તપાસ, કાર્યવાહી અનુસાર આરોપી સામે કસ્ટમ્સ એકટની જુદી જુદી કલમો તળે ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીએ શિવહોમ પેઢી મારફતે કંડલા પોર્ટ ખાતે ખોટા દસ્તાવેજો રજૂ કરી પાકિસ્તાન મૂળનું સૂકું ખજૂર યુએઇનું હોવાનું દર્શાવી રૂા. 3 કરોડથી વધુની કિંમતનો માલ ગેરકાયદે આયાત કર્યો હતો. ડીઆરઆઇએ આ આરોપીની અટક કરતાં તે જેલવાસ ભોગવી રહ્યો છે, દરમ્યાન જામીન પર છૂટવા અહીંની કોર્ટમાં અરજી કરી હતી, જેમાં ડીઆરઆઇ વતી વિશેષ એપીપી કે.સી. ગોસ્વામીએ જામીનનો સખત વિરોધ કરતાં કહ્યું હતું કે, પહેલગામ આતંકી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાનથી આયાત થતી તમામ વસ્તુઓ પર પ્રતિબંધ મૂકેલો છે. પાકિસ્તાની માલના વેચાણમાંથી મળતી આવક આતંકવાદી પ્રવૃત્તિઓમાં વપરાય છે, આરોપીએ 13 કન્ટેનરો સૂકું ખજૂર પાકિસ્તાનથી યુએઇ લાવી ત્યાંથી પેકિંગ કરી ભારત મગાવ્યું હતું. ડીઆરઆઇની તપાસ દરમ્યાન આરોપીના વોટ્સએપ ગ્રુપમાંથી પાકિસ્તાની નંબર પણ મળી આવ્યા છે. ન્યાયાધીશ રાકેશ જે. પટેલે બંને પક્ષોની દલીલો અને દસ્તાવેજી પુરાવા ધ્યાને લઇ નોંધ્યું હતું કે, આરોપીએ આડકતરી રીતે ભારતના દુશ્મન દેશને આર્થિક ફાયદો પહોંચાડયો છે. આ ગુનો દેશનાં રાષ્ટ્રહિત વિરુદ્ધનો અને ગંભીર પ્રકૃતિનો છે, કેસની તપાસ નાજૂક તબક્કામાં અને અન્ય કન્ટેનરોની તપાસ બાકી હોવાથી આરોપીને જામીન આપવા યોગ્ય ન હોવાનું ઉમેરીને આ આરોપીના જામીન નકારી દેવામાં આવ્યા હતા.