કચ્છના શહેનશાહ હઝરત હાજીપીર ખાતે ઈદે મિલાદુન નબીની દાનિશમંદી અને અદબ સાથે અદ્ભુત ઉજવણી

image

સ્લામ ધર્મના પયગંબર-એ-આલમ હઝરત મુહમ્મદ સાહેબ ના પવિત્ર અને મુબારક જન્મદિન (જશ્ને ઈદે મિલાદુન નબી) નિમિત્તે કચ્છની જગપ્રસિદ્ધ અને લાખો આશિકોની આસ્થાના કેન્દ્ર સમાન શહેનશાહ હઝરત હાજીપીર ખાતે ઇમાન અને ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો. આ પાવન અવસરે હાજીપીર તેમજ આજુબાજુના તમામ ગ્રામજનો અને પંથકભરના મુસ્લિમ ભાઈઓ પોતપોતાના મનમોહક જુલૂસ સાથે વિશાળ સંખ્યામાં હાજીપીર ખાતે હાજર રહીને આશિકાન-એ-રસૂલ હોવાનો અહેસાસ કરાવ્યો હતો.
મુજાવર પરિવાર દ્વારા અદબથી ચાદરપોશી અને ભવ્ય ‘ન્યાઝ’નું આયોજન
આ મુબારક તહેવારની પરંપરાને જાળવી રાખતા, મુજાવર પરિવાર વતી હાજીપીરની પવિત્ર દરગાહ શરીફ પર અદબ, એહતેરામ અને નમ્રતા સાથે ચાદર ચઢાવવામાં આવી હતી. આ અવસરે દેશ અને દુનિયામાં અમન, શાંતિ, ભાઈચારો અને ખુશહાલી માટે વિશેષ દુઆઓ માંગવામાં આવી હતી.
દર વર્ષની જેમ આ વર્ષે પણ મુજાવર પરિવાર તરફથી હાજીપીર ખાતે વિશાળ પાયે ‘ન્યાઝ’ નું આયોજન કરવામાં આવ્યું હતું. મુજાવર પરિવાર દ્વારા સમગ્ર ઉત્સવની તમામ વ્યવસ્થાઓ ખૂબ જ ઝીણવટપૂર્વક પાર પાડવામાં આવી હતી, જેના કારણે હજારોની સંખ્યામાં પધારેલા ઝાયરીનો (યાત્રિકો) અને મહેમાનોએ કોઈપણ મુશ્કેલી વગર ન્યાઝનો લાભ લીધો હતો અને પરિવારની મહેમાનગતિને બિરદાવી હતી.
યુવા શક્તિ, ધાર્મિક સંગઠનો અને પ્રશાસનનો સમન્વય
આટલા મોટા પાયે યોજાયેલા આયોજનને સફળ બનાવવા માટે વિવિધ સંસ્થાઓ અને વહીવટી તંત્રનો સિંહફાળો રહ્યો હતો:
હાજીપીરની યંગ મુજાવર કમિટીના યુવાનોએ ખભે-ખભો મિલાવીને અથાક મહેનત કરી હતી. જુલૂસના સ્વાગતથી લઈને ન્યાઝના વિતરણ અને વ્યવસ્થાપન સુધીના તમામ કાર્યોમાં યુવા કમિટીએ ઉત્કૃષ્ટ સહયોગ પૂરો પાડ્યો હતો.
આ પવિત્ર જુલૂસ અને ન્યાઝના કાર્યક્રમમાં ‘દાવતે ઇસ્લામી’ પરિવારના અદના ખિદમતદારો અને સાહીબો પણ ઉત્સાહભેર જોડાયા હતા, જેણે આ પ્રસંગની દીપ્તિમાં વધારો કર્યો હતો.

  • પોલીસ પ્રશાસનનો સહયોગ: આ મહાપર્વ નિમિત્તે ઉમટેલી હજારોની જનમેદની અને વાહનોની ભારે અવરજવરને ધ્યાનમાં રાખીને પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત અને સંતોષકારક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ટ્રાફિક વ્યવસ્થા સુચારુ અને અવરોધમુક્ત રહે તે માટે પોલીસ વિભાગનો ભરપૂર સહયોગ સાંપડ્યો હતો, જેના કારણે સમગ્ર ઉત્સવ શાંતિપૂર્ણ, અને દિવ્ય માહોલમાં સંપન્ન થયો હતો.
    હાજીપીરની આ પાવન ધરતી પર યોજાયેલ આ આયોજને કચ્છની ગંગા-જમના તહેજીબ, કોમી એકતા અને પરસ્પર પ્રેમની અદ્ભુત મિસાલ પ્રસ્તુત કરી હતી. સમગ્ર પંથકમાંથી આવેલા શ્રદ્ધાળુઓએ મુજાવર પરિવારના આ સરાહનીય પ્રયાસ બદલ આભાર વ્યક્ત કર્યો હતો