સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત નીરોણા હાઈસ્કૂલ બની સંસ્કૃતમય

સારસ્વતમ્ સંચાલિત શ્રી પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ, નીરોણા ખાતે સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ તથા સંસ્કૃતમય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્યશ્રી ડૉ. વી. એમ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમથી સમગ્ર શાળા પરિસર સંસ્કૃતમય બની ગયું હતું.
કાર્યક્રમ પ્રસંગે શાળાના વરિષ્ઠ શિક્ષક અલ્પેશભાઈ જાની દ્વારા સંસ્કૃત ભાષાના મહત્ત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. તેમણે દેવભાષા સંસ્કૃતના મહિમાનું ગાન કરતાં ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને સંસ્કારોના સંવર્ધનમાં સંસ્કૃત ભાષાના અમૂલ્ય યોગદાન અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. સંસ્કૃત ભાષા માત્ર પ્રાચીન ભાષા નથી, પરંતુ સંસ્કાર, સંસ્કૃતિ અને ભારતીય જ્ઞાનપરંપરાને જોડતી સેતુ છે તેમ તેમણે જણાવ્યું હતું.
સંસ્કૃત ભાષાના મહત્ત્વ વિષય પર યોજાયેલી વક્તૃત્વ સ્પર્ધામાં ધોરણ-૧૨ની ચારોલિયા નીતા પ્રથમ, ધોરણ-૧૦ની સોઢા સંધ્યાબા દ્વિતીય અને ધોરણ-૧૦ની કુંભાર રૂકશાના તૃતીય ક્રમે વિજેતા બન્યા હતા.
જ્યારે સંસ્કૃત સુભાષિત લેખન સ્પર્ધામાં ધોરણ-૯ -બી ની સમીરા સુમારભાઈ ખત્રી પ્રથમ, ધોરણ-૯- બી ની ભાનુશાલી ક્રીશી હિતેષભાઈ દ્વિતીય તથા ધોરણ-૯- એ ની આર્યા દીપકભાઈ ભાનુશાલી તૃતીય ક્રમે રહ્યા હતા.
આ પ્રસંગે ધોરણ-૧૧ની વિદ્યાર્થીની અનુબા જાડેજા દ્વારા સવારે જાગવાથી લઈને રાત્રે સૂવા સુધી દૈનિક જીવનમાં બોલી શકાય તેવા વિવિધ સંસ્કૃત શ્લોકોનું પઠન કરાવવામાં આવ્યું હતું. ધોરણ-૧૨ની વિદ્યાર્થીની વંશી ભાનુશાલી દ્વારા વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષામાં પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને દૈનિક જીવનમાં સંસ્કૃત ભાષાના પ્રયોગ માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.
સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત યોજાયેલી વિવિધ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેના પરિણામે સમગ્ર શાળા પરિસરમાં સંસ્કૃત ભાષા, સંસ્કાર અને સંસ્કૃતિની સુગંધ પ્રસરી હતી. ઉજવણીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં દેવભાષા સંસ્કૃત પ્રત્યે રસ, ગૌરવ, આત્મીયતા અને અભિમાનની ભાવના કેળવવાનો રહ્યો હતો.
આ સુંદર આયોજન બદલ શાળાના આચાર્યશ્રીએ તમામ વિદ્યાર્થીઓ અને શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંકલન શિક્ષિકા ભૂમિબેન વોરા દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે કાર્યક્રમનું સંચાલન ધોરણ-૧૧ની વિદ્યાર્થીની હેતલ રવજી આહિરે કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી