`ન્યૂ તાશ્કંદ’ નિર્માણમાં ગિફટ સિટી કરી શકશે મદદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શાવકત મિર્ઝિયોયેવ વચ્ચે તાશ્કંદમાં રવિવારે પ્રતિનિધિ મંડળ સ્તરની દ્વિપક્ષીય બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં બેય દેશોએ દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવાની સાથોસાથ આર્થિક સહયોગ, રણનીતિક ભાગીદારી, વેપાર, ઊર્જા, ટેકનિક અને શહેરો વચ્ચે સહયોગ વધારવા સહિત અનેક મહત્ત્વના ફેંસલા કર્યા હતા. આ બેઠકમાં ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે 2030ના વર્ષ સુધીમાં દ્વિપક્ષીય વેપારનું લક્ષ્ય વાર્ષિક એક અબજ ડોલરમાંથી વધારીને પાંચ અબજ ડોલર કરવા પર સહમતી સધાઇ હતી. ખાસ કરીને નાગરિક પરમાણુ ઊર્જાનાં ક્ષેત્રમાં સહયોગ વધારવા પર મહત્ત્વપૂર્ણ સહમતી સધાઇ હતી, જેના હેઠળ ઉઝબેકિસ્તાન તરફથી ભારતને લાંબા સમય સુધી યુરેનિયમ અપાશે. આ સમજૂતી ભારતની પરમાણુ ઊર્જાની જરૂરિયાતની દૃષ્ટિએ મહત્ત્વની મનાય છે. `ન્યૂ તાશ્કંદ’ જેવી મહત્ત્વની યોજયનાના ઉલ્લેખ સાથે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, અમારા ગુજરાતમાં `ગિફટ સિટી’ વિકસિત કરાયું છે. વડાપ્રધાને ઉઝબેકિસ્તાનના પ્રતિનિધિ મંડળને આમંત્રણ આપતાં કહ્યું હતું કે, ગિફટ સિટીનો અભ્યાસ `ન્યૂ તાશ્કંદ’ પ્રોજેક્ટ માટે ઘણો ઉપયોગી પૂરવાર થઇ શકશે. બેઠક બાદ મોદીએ જણાવ્યું હતું કે, ભારત અને ઉઝબેકિસ્તાનની સંરક્ષણ ક્ષેત્રની કંપનીઓને સૈન્ય ઉપકરણોના સંયુક્ત વિકાસ અને સંયુક્ત ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરાશે. બંને દેશના સંબંધોને વ્યાપક રણનીતિક ભાગીદારીના સ્તર સુધી લઈ જવાશે. બે દેશ વચ્ચે સહયોગના તમામ પાસાંને દિશા આપવા માટે વિદેશમંત્રી સ્તર પર એક `સંકલન પરિષદ’ રચવાનો પણ ફેંસલો લેવાયો હતો. બંને દેશ સાથે મળીને એક બિઝનેસ સમિટનું આયોજન કરશે, જેમાં બંને પક્ષના કારોબારી, ઉદ્યોગ નેતાઓ જોડાશે. બેઠક દરમ્યાન ઉઝબેક રાષ્ટ્રપતિ શાવકત મિર્ઝિયોયેવે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતની પ્રગતિની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારત દેશ ડિજિટલાઇઝેશન, આઇટી, એઆઇ, અવકાશ સંશોધન સહિત વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ પ્રગતિ કરી રહ્યો છે. મોદીએ પણ શાવકતની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, મારા મિત્ર અને ઉઝબેકિસ્તાનના આર્થિક વિકાસના જનક મિર્ઝિયોયેવે એક રોલ મોડેલ રૂપ કામ કરી બતાવ્યું છે.