કાટમાળની જેમ નેપાળમાં મૃતદેહોનો ગંજ : મૃત્યુઆંક 804
નેપાળમાં જળપ્રલયે તબાહી મચાવ્યાને પાંચ દિવસ થઈ ગયા છે પણ હજી પણ વેદના અને પીડાની તસવીરો બહાર આવવાનું અટક્યું નથી. મલબો અને કાટમાળ જાણે મૃતદેહો ઓકી રહ્યાં હોય તેવી હાલત છે. મૃત્યુઆંક વધીને 734 થઈ ગયો છે અને 3000 લોકો હજી પણ લાપતા છે. નેપાળના અલગ-અલગ જળવિદ્યુત પ્રોજેક્ટની સુરંગોમાં ફસાયેલા 900થી વધુ કર્મચારીઓને બચાવવાની કોશિશો ચાલી રહી છે ત્યારે બીજીબાજુ રવિવારે ફરી એકવાર નવા પૂરનો ખતરો ગંભીર બની ગયો હતો. ભોટેકોશી નદીનું જળસ્તર વધવા માંડતા લોકોને સતર્ક કરવામાં આવ્યા હતાં અને લોકોના મોબાઇલમાં પૂરની ચેતવણીઓ પણ રણકી ગઈ હતી. દરમિયાન ચીનમાં 16 લોકોનાં મૃત્યુ અને 546 લોકો લાપતા હોવાના અહેવાલો પણ મળ્યા હતા. નેપાળમાં શબગૃહો છલકાવા લાગ્યા છે. આ મૃતદેહોને રાખવા માટે જગ્યા ઓછી પડવા માંડી છે. જેને પગલે નેપાળ સરકારે હવે ઓળખની ખરાઈ વગર અજ્ઞાત મૃતદેહોની માનભેર દફનવિધિ કરવાનો નિર્ણય લીધો છે. જો કે આ અંતિમક્રિયા પહેલા શબોના ડીએનએ સંગ્રહિત કરવામાં આવશે. જેથી ભવિષ્યમાં સમય રહેતા બધા મૃતકોની ઓળખ કરી શકાશે. બચાવ એજન્સીઓ ખરાબ હવામાન અને મુશ્કેલ સ્થળેથી લોકોને ઉગારવા માટે ઝઝૂમી રહી છે. બીજીબાજુ નેપાળ ઉપર નવું જોખમ પેદા થઈ ગયું છે. ચીન તરફથી નદીના ઉપરવાસમાં પાણીનો પ્રવાહ વધવા માંડયાની સૂચના મળતાં પૂરની ચેતવણી જારી કરી દેવામાં આવી છે. જેને પગલે લોકોને ઊંચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતરિત કરવાની ફરજ પડી હતી. નેપાળના હાઇડ્રોપાવર પ્રોજેક્ટોની સુરંગોમાં પણ મોટાપાયે શ્રમિકો ફસાયેલા હોવાનાં કારણે તેમનાં માટે હવા અને ખોરાક સહિતની જીવનરક્ષક વ્યવસ્થા માટે યુદ્ધનાં ધોરણે કામગીરી ચલાવવામાં આવી રહી છે. અનેક દુર્ગમ સ્થાને હેલિકોપ્ટરથી ખોદકામ અને બચાવનાં યંત્રો પહોંચાડવામાં આવ્યા હતા. નેપાળની સેના દ્વારા પૂરપ્રભાવિત વિસ્તારોમાં 7000 જવાનો તૈનાત કર્યા હતા. કાઠમંડુમાં ભારતીય દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારતે શોધ અને બચાવ કામો માટે એક વિશેષ ટેકનિકલ ટીમ અને ઉપકરણો નેપાળમાં પહોંચાડયા છે. આ ટીમો હાઇડ્રોપાવર ટનલોમાં અટવાયેલા લોકોને બચાવવામાં સહાયતા પૂરી પાડશે.