ઝોમેટોનો મોટો નિર્ણય: એનાલોગ ડેરીવાળી વાનગીઓ પર પ્રતિબંધ

ફૂડ ડિલીવરી પ્લેટફોર્મ ઝોમેટોએ એનાલોગ ડેરી ઉત્પાદન અંગે આકરું વલણ અપનાવ્યું છે. કંપનીએ પોતાના પ્લેટફોર્મ ઉપરથી એવી વસ્તુઓ હટાવી છે જેમાં અસલી ચીઝ, પનીર અથવા બીજા ડેરી ઉત્પાદનનને બદલે એનાલોગ પ્રોડક્ટ્સ હોવાની જાણકારી હતી. સાથે જ ઝોમેટોએ રેસ્ટોરાંને પ્રાકૃતિક ડેરી પ્રોડક્ટ્સ ઉપયોગમાં લેવાની સલાહ આપી છે. જો કોઈ રેસ્ટોરાં સંચાલક પાલન ન કરે તો તેને ડિલીવરી પ્લેટફોર્મ ઉપરથી હટાવી દેવામાં આવશે. કંપનીએ પોતાના પ્લેટફોર્મ ઉપર એનાલોગ ડેરીથી બનેલા વ્યંજનોનાં વેચાણ ઉપર તત્કાળ પ્રભાવથી રોક મૂકી છે. ઝોમેટોએ આ મામલે એક માહિતીમાં સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે જે રેસ્ટોરાં પાર્ટનર્સએ પોતાનાં વ્યંજનોમાં એનાલોગ ડેરીના ઉપયોગની વાત સ્વીકારી હતી, તેઓને પ્લેટફોર્મ ઉપરથી હટાવી દેવાયા છે. કંપનીએ જણાવ્યું હતું કે, આવા વ્યંજનોના વેચાણ ઉપર ઝીરો ટોલરેન્સ નીતિ છે અને નિયમોનું ઉલ્લંઘન કરનારા કોઈપણ રેસ્ટોરાંને બહાર કરવાનો અધિકાર કંપની પાસે છે. આ કદમ ગ્રાહકોનાં હિત અને પારદર્શકતાને પ્રાથમિકતા આપવા માટે લેવામાં આવ્યું છે. નવી નીતિ અંગે ઝોમેટોના સીઇઓ આદિત્ય મંગલાએ કંપનીના દૃષ્ટિકોણને સ્પષ્ટ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ઝોમેટોનું મુખ્ય લક્ષ્ય વધુમાં વધુ લોકો સુધી સારું અને પૌષ્ટિક ભોજન પહોંચાડવાનું છે. જેનો સીધો અર્થ ગ્રાહકોના સ્વાસ્થ્યની સુરક્ષા કરવાનો અને રેસ્ટોરાં પાર્ટનર્સ દ્વારા પીરસવામાં આવતા ભોજન માટે ઉચ્ચ માપદંડ નક્કી કરવાનું છે. આદિત્ય મંગલાએ ભાર મૂકીને જણાવ્યું હતું કે, આ નવી નીતિ કંપનીની પ્રતિબદ્ધતાને દર્શાવે છે અને રેસ્ટોરાં પાર્ટનર્સ સાથે મળીને લાગુ કરવામાં આવી રહી છે.