અંજારમાં મોબાઇલમાં આવેલી કંકોત્રીની ફાઇલ ડાઉનલોડ કરવી ભારે પડી :ખાતા માંથી 5,84,000 સેરવાયા
copy image

અંજારના એક ખેડૂતને વોટ્સએપ પર આવેલી લગ્નની કંકોત્રીની પી.ડી.એફ. ફાઇલ ડાઉનલોડ કરવી ભારે પડી હતી. ઠગબાજોએ આવી ફાઇલના બહાને ખેડૂતનો ફોન હેક કરી તેમના તથા તેમના દીકરાનાં ખાતાંમાંથી રૂા. 5,84,000 બારોબાર સેરવી લીધા હતા. આ અંગે મળતી માહિતી મુજબ અંજારના અયોધ્યાનગર દબડા વિસ્તારમાં રહેનાર ખેડૂત શૈલેન્દ્રસિંહ જીતુભા જાડેજા ગત તા. 17/8ના ઘરે હતા તે દરમિયાન તેમના પાડોશીના વોટસએપ નંબર પરથી લગ્નની કંકોત્રીની પી.ડી.એફ. ફાઇલ આવી હતી જે આ આધેડ ખેડૂતે ડાઉનલોડ કરતાં તેમનો ફોન હેક થઇ ગયો હતો. આ ફોન બંધ ન થતાં તેમણે તાત્કાલિક સિમકાર્ડ કાઢી લીધું હતું. બાદમાં અન્ય ફોનમાં સિમકાર્ડ નાખતાં ઓ.ટી.પી. અને પૈસા ઊપડવાના મેસેજ તેમને આવ્યા હતા. તેમણે તરત જ 1930માં ફોન કરી તથા બેંકમાં ફોન કરી ખાતું ફ્રીઝ કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. દરમ્યાન, ઠગબજોએ આ આધેડના તથા તેમના દીકરાના જુદા જુદા ખાતાંઓમાંથી રૂા. 5,84,000 બારોબાર ઉપાડી લીધા હતા. ફરિયાદીએ કંકોત્રીની પી.ડી.એફ. મોકલનારા પાડોશીને પૂછતાં તેમનો પણ ફોન હેક થયો હોવાનું અને તેમના ફોનમાંથી ઘણા લોકોને આ કંકોત્રી પહોંચી હોવાનું પણ બહાર આવ્યું હતું. આ અંગે આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે