દુનિયાના નવા નક્શાને UNની મંજૂરી, અમેરિકા-યુરોપનો આકાર ઘટશે, આફ્રિકા દેખાશે મોટું

દુનિયાનો નકશો હવે પહેલા જેવો નહીં રહે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ એક નવા વિશ્વ નકશાને મંજૂરી આપી છે, જેમાં ખંડોનું કદ એકબીજાની સરખામણીમાં વધુ સચોટ રીતે દર્શાવવામાં આવ્યું છે. આ નવા નકશામાં આફ્રિકા પહેલા કરતાં મોટું નજરે પડશે, જ્યારે યુરોપ અને ઉત્તર અમેરિકાનું ક્ષેત્રફળ નાનું દેખાશે. આ પ્રસ્તાવના સમર્થનમાં 164 દેશોએ મતદાન આપ્યું હતું, 6 દેશો વોટિંગથી દૂર રહ્યા હતા, જ્યારે અમેરિકા એકમાત્ર એવો દેશ હતો જેણે આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. નવા નકશાને ‘ઈક્વલ અર્થ’ નામ આપવામાં આવ્યું છે. તેનો મુખ્ય હેતુ વિશ્વના વિવિધ ભાગોને તેમના વાસ્તવિક વિસ્તારની નજીક દર્શાવવાનો છે. અગાઉ 1569માં ગેરાર્ડસ મર્કેટર દ્વારા તૈયાર કરાયેલા મર્કેટર નકશામાં દરિયાઈ મુસાફરોને સીધી દિશા બતાવવા પર ધ્યાન આપવામાં આવ્યું હતું. ગોળ પૃથ્વીને ચોરસ કાગળ પર સીધી રેખાઓમાં ઉતારવા જતાં, ધ્રુવીય વિસ્તારો જરૂર કરતાં વધુ મોટા દેખાવા લાગ્યા હતા. જેના કારણે યુરોપ, ઉત્તર અમેરિકા અને ગ્રીનલેન્ડ તેમના વાસ્તવિક કદ કરતાં મોટા દેખાતા હતા, જ્યારે વિષુવવૃત્ત પાસે આવેલા આફ્રિકા અને ભારત જેવા વિશાળ વિસ્તારો સંકોચાઈને નાના થઈ ગયા હતા. વાસ્તવિકતા એ છે કે આફ્રિકા એકલું ગ્રીનલેન્ડ કરતાં 14 ગણું મોટું છે, પરંતુ મર્કેટર નકશામાં બંને લગભગ સરખા દેખાતા હતા
‘ઈક્વલ અર્થ’ પ્રોજેક્શનને 2018માં નકશાકારો દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. તેમાં વિશ્વના તમામ ખંડોને તેમના સાચા ક્ષેત્રફળ અનુસાર દર્શાવવાનો પ્રયાસ કરાયો છે. આ નકશામાં આફ્રિકા, લેટિન અમેરિકા, દક્ષિણ એશિયા અને ઓશેનિયા પહેલાં કરતાં મોટાં જોવા મળશે, જ્યારે યુરોપ અને ઉત્તર અમેરિકાનું કદ નાનું દેખાશે. આ પ્રસ્તાવ ટોગો દેશના વિદેશ મંત્રી રોબર્ટ ડુસી દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે નકશા માત્ર સ્થળોની માહિતી નથી આપતા, પરંતુ લોકોના વૈશ્વિક દ્રષ્ટિકોણને પણ અસર કરે છે. જો નકશા ખોટું કદ બતાવે, તો તે ગેરસમજ પેઢીઓ સુધી સચવાયેલી રહે છે.