બાભણકા-ગણેશપર રોડમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, તાત્કાલિક તપાસની માંગ

ભચાઉ તાલુકાના ખડીર વિસ્તારમાં બાભણકા-ગણેશપર વચ્ચે તાજેતરમાં બનેલા અંદાજે 6 કિમીના ડામર રોડની કામગીરી સામે કોંગ્રેસના આગેવાનો દ્વારા ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. રોડ બન્યાના બીજા દિવસથી જ અનેક સ્થળે તૂટવા લાગ્યો હોવાનો આક્ષેપ કરી કામની ગુણવત્તા સામે તપાસની માંગ કરવામાં આવી છે.
આ સમગ્ર કામની નિષ્પક્ષ અધિકારીઓ દ્વારા ટેકનિકલ તપાસ તથા વિડિયોગ્રાફી કરાવી કોન્ટ્રાક્ટર અને જવાબદાર એજન્સી સામે નિયમ મુજબ કાર્યવાહી કરવા અને રોડનું કામ ફરીથી ગુણવત્તાપૂર્વક કરાવવા માંગ કરાઈ છે.
આ સાથે તાલુકાના અન્ય ગ્રામ્ય માર્ગોની નબળી કામગીરી અંગે પણ તપાસ કરી સરકારી નાણાંનો યોગ્ય ઉપયોગ થાય તે માટે ઉચ્ચ અધિકારીઓની આગેવાનીમાં તપાસ સમિતિ રચવાની માંગ કરવામાં આવી છે.