વોંધ ITI ખાતે ૨૩૬ યુવાનોમાં એચઆઈવી સહિત વિવિધ રોગો અંગે જાગૃતિ લાવવા કાર્યક્રમ યોજાયો

ભચાઉ તાલુકાના વોંધ ગામ ખાતે આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI)માં ઇન્ટેન્સિફાઇડ IEC કેમ્પેઇન-3.0, 2026 અંતર્ગત ૨૩૬ યુવાનોને એચઆઈવી/એઇડ્સ સહિત વિવિધ ચેપી રોગો અંગે વિસ્તૃત આરોગ્ય જાગૃતિ આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન યુવાનોને એચઆઈવીથી બચાવ, સમયસર તપાસ અને સારવાર અંગે સમજ આપી આરોગ્ય જાગૃતિની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.કાર્યક્રમમાં એચઆઈવી/એઇડ્સ, સિફિલિસ, STI, RTI, ક્ષયરોગ (TB), હેપેટાઇટિસ-બી અને હેપેટાઇટિસ-સી જેવા રોગો અંગે માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને એચઆઈવી કઈ રીતે ફેલાય છે અને કઈ રીતે ફેલાતો નથી તે અંગે વૈજ્ઞાનિક અને સાચી માહિતી આપી સમાજમાં પ્રવર્તતી ગેરમાન્યતાઓ દૂર કરવા પ્રયાસ કરાયો હતો. એચઆઈવીથી સંક્રમિત વ્યક્તિ સાથે ભેદભાવ ન રાખવો તથા સંક્રમિત વ્યક્તિને સહયોગ અને સન્માન આપવું જોઈએ તે અંગે પણ યુવાનોને સમજાવવામાં આવ્યા હતા.એચઆઈવીના સંક્રમણથી બચવા માટે સુરક્ષિત વ્યવહાર અપનાવવો, જોખમી પરિસ્થિતિમાં સમયસર તપાસ કરાવવી તેમજ જરૂરિયાત મુજબ સારવાર મેળવવી કેટલું મહત્વનું છે તે અંગે માર્ગદર્શન અપાયું હતું. યુવાનોને પોતાના આરોગ્ય જોખમનું સ્વ-મૂલ્યાંકન કરવા તથા શંકા જણાય તો નજીકની આરોગ્ય સંસ્થામાં તપાસ કરાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત Break Free India અભિયાન અંગે માહિતી આપી યુવાનોને વ્યસનમુક્ત અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અપીલ કરવામાં આવી હતી. હેપેટાઇટિસ-બી અને હેપેટાઇટિસ-સી અંગે પણ માહિતી આપવામાં આવી હતી. હેપેટાઇટિસ સંબંધિત માર્ગદર્શન માટે ટોલ-ફ્રી હેલ્પલાઇન ૧૮૦૦-૧૧-૬૬૬૬ તથા એઇડ્સ સંબંધિત માહિતી અને માર્ગદર્શન માટે ૧૦૯૭ હેલ્પલાઇન અંગે યુવાનોને માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન રક્તદાનના મહત્વ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. રક્તદાનથી જરૂરિયાતમંદ દર્દીઓને મળતી મદદ અને સ્વૈચ્છિક રક્તદાનના સામાજિક મહત્વ અંગે સમજ આપી યુવાનોને રક્તદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાથે જ ડ્રગ્સના સેવનથી થતા શારીરિક, માનસિક અને સામાજિક નુકસાન તથા તમાકુ અને અન્ય વ્યસનોના કારણે થતા આરોગ્યલક્ષી અને આર્થિક નુકસાન અંગે પણ વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
વધુમાં પાણીજન્ય અને વાહકજન્ય રોગોથી બચવા માટે સ્વચ્છતા જાળવવી, શુદ્ધ પાણીનો ઉપયોગ કરવો, આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ન રહે તે અંગે કાળજી રાખવી તેમજ મચ્છર અને અન્ય રોગવાહક જીવાતોના નિયંત્રણ માટે જરૂરી સાવચેતી રાખવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. યુવાનોને પોતાના પરિવાર અને સમાજમાં પણ આરોગ્યલક્ષી સાચી માહિતી પહોંચાડવા માટે અપીલ કરવામાં આવી હતી.
આ જાગૃતિ કાર્યક્રમમાં વોંધ ITIના આચાર્ય શ્રી પી.વી. મોટિવર્ષ તથા સંસ્થાના ફેકલ્ટી અને સ્ટાફનો સહયોગ મળ્યો હતો. કાર્યક્રમના આયોજનમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ભચાઉના ICTC કાઉન્સેલર શ્રી હર્ષ પંડ્યાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. કચ્છ એન.પી પ્લસ દ્વારા ચાલતા “સમગ્ર” પ્રોગ્રામના શ્રી મહાવીરસિંહ જાડેજા સહિત ITIના સ્ટાફે પણ કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો.
આ સમગ્ર જાગૃતિ કાર્યક્રમ જિલ્લા કલેક્ટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને જિલ્લા ક્ષય-એચઆઈવી અધિકારીશ્રીના દિશાનિર્દેશ તેમજ સંબંધિત અધિકારીઓની દેખરેખ હેઠળ યોજાયો હતો. કાર્યક્રમને તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. નારાયણ સિંઘ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર ભચાઉના અધિક્ષકશ્રી કૌશલેન્દ્ર કુમાર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારીશ્રી તથા જિલ્લા એઇડ્સ નિયંત્રણ એકમની ટીમનો સહયોગ મળ્યો હતો.