કિડિયાનગર રેલવે મથકે પરિસરમાં અમુક તત્ત્વોએ મચાવેલા ઉત્પાતના કારણે ભારે ખળભળાટ મચ્યો હતો

રાપરના કિડિયાનગર રેલવે મથકે પરિસરમાં અમુક તત્ત્વોએ મચાવેલા ઉત્પાતના કારણે ભારે ખળભળાટ મચ્યો હતો. સૂત્રો પરથી મળતી માહિતી સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડી ફરજ પરના રેલવે કર્મી પર પથ્થરો, લાકડી વડે હુમલો કરાતાં 15થી 20 જણ સામે ગુનો દર્જ થયો હતો. કિડિયાનગર રેલવે મથકે પોઇન્ટસમેન તરીકે ફરજ બજાવતા ફરિયાદી અશોક નૈનારામ પરિહાર ગઇકાલે પ્લેટફોર્મ ઉપર હતા ત્યારે બે આરોપીઓ બાઇકથી સ્ટંટ કરતા ફરિયાદી ત્યાં જઇ વીડિયો ડિલિટ કરાવી અહીંથી જતા રહેવાનું જણાવ્યું હતું. ત્યારે આ બંને ઇસમો જતા રહ્યા હતા. બાદમાં 15થી 20 લોકોનું ટોળું રેલવે મથકે આવ્યું હતું. અને રેલવે મથકની ઓફિસમાં ભાગફોડ કરી હતી તથા ફરિયાદીને પકડી તેના ઉપર પથ્થર, લાકડી વડે હુમલો કરાવ્યો હતો. અગાઉ પણ ગેટમેન પ્રિતમ સાથે મુકેશ ડી. કોળીએ બોલાચાલી કરી હતી, જેનું માફીપત્ર લખાવતાં તથા ગઇકાલે બાઇકથી સ્ટંટ ન કરી વીડિયો ડિલિટ કરાવતા તેનું મનદુ:ખ રાખી ટોળાએ ફિલ્મી સ્ટાઇલમાં રેલવે મથકે આવી ભાગફોડ કરી હતી. આ ટોળા પૈકી દિનેશ કાનજી કોળી, મુકેશ ડી. કોળી, દિનેશના કાકાનો દિકરો તથા બાઇક નંબર માં આવેલા શખ્સો હોવાનું પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં જણાવાયું હતું.