મિરજાપરમાં કારમાંથી શરાબ જપ્ત કરાયો
ભુજના મિરજાપર સહજાનંદ નગરમાં આવેલા એક વરંડા માં પોલીસે છાપો મારી કારમાંથી રૂા. 1,54,620ના અંગ્રેજી દારૂ સાથે ઈસમની અટક કરી હતી. સૂત્રો મુજબ મળતી માહિતી માલ આપનાર તરીકે માંડવીની મહિલાનું નામ બહાર આવ્યું હતું. સુખપર નવાવાસમાં રહેનાર જયદીપ વિજય ચુડાસમા નામનો શખ્સ મિરજાપરમાં સહજાનંદ નગરમાં જગદીશ પટેલના ટાઈલ્સના ગોદામમાં કાર લઈને ઊભો છે અને તેની કારમાં અંગ્રેજી દારૂ દેવાતી પૂર્વ બાતમીના આધારે પોલીસે આજે ઢળતી બપોરે કાર્યવાહી કરી હતી. આ ગોદામ માંથી જયદીપની પોલીસે ધરપકડ કરી હતી તેમજ નંબર પ્લેટ વગરની કારમાંથી રોયલસ્ટંગની 750 મી.લી.ની 57, ગ્રીન લેબલની 20, રોયલ ચેલેન્જરની 32, કેપીએમની 36, ઓલ સીઝન્સની 47, અંકલ ટોમની સાત તથા કિંગ ફ્રિશર સ્ટ્રોંગ બિયરના 49 અને કિંગ ફિશર અલ્ફા મેક્સના 24 બીયરના ટીન એમ કુલ રૂા. 1,54,620નો શરાબ આ કારમાંથી જપ્ત કરાયો હતો. ફોર સેલ ઈન રાજસ્થાન તથા પંજાબ લખેલો આ દારૂ જયદીપને માંડવીની હંસાબા જાડેજા નામની મહિલા આપી ગઈ હોવાનું બહાર આવ્યું હતું. વરંડા સંચાલકની ભૂમિકા શું છે તે બહાર આવ્યું નથી. જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.