એસડી પે એપમાં રાપરના લોકોના કરોડો રૂપિયાનું નુકસાન

રાપરમાં  કહેવાય છે કે, જ્યાં લોભિયા હોય, ત્યાં ધૂતારા ભૂખે ન મરે. એ ન્યાયે એસડી પે નામની દૈનિક 10થી 15 ટકા વળતરની લાલચ આપતી એપમાં અનેક વેપારીઓ, ખેડૂતો, નોકરિયાતો વગેરેનાં રૂપિયા ફસાયા હોવાની માહિતી મળી રહી છે. સૂત્રો પરથી મળતી માહિતી એક ભગવાધારી મહંતના તો દોઢ કરોડ જેટલા રૂપિયા ફસાયા હોવાની માહિતી મળી હતી. આ એપ ડાઉનલોડ કરાવનારા એજન્ટને પણ ગ્રાહક દીઠ કમિશન મળતું હોવાનું જાણવા મળ્યું હતું. અંદાજે આ આંકડો 15થી 20 કરોડ જેટલો થવા જઈ રહ્યો છે. જો કે, આ અંગે હજી કોઈએ ફરિયાદ કરી ન હોવાનું જાણવા મળ્યું હતું. રાપરમાં સાક્ષરતાનો દર ઓછો હોવાથી અને ગામડાંનો માણસ ભોળો અને વિશ્વાસુ હોવાથી અનેક વખત સાયબર ફ્રોડનો ભોગ બનતો હોય છે. આવી એપ ડાઉનલોડ કરાવીને કમાઈ લેવાની લાલચમાં એક મહિલા એજન્ટે તો 200 લોકોને ગ્રાહક બનાવ્યા હોવાની માહિતી મળી હતી. જો કે, ફ્રોડનો ભોગ બનેલા કોઈ મોઢું ખોલવા તૈયાર નથી. એક નાસ્તાવાળાના 10 લાખ, તો સોની સમાજના વેપારીઓના પણ આ ફ્રોડમાં એક કરોડ જેટલા રૂપિયા ફસાયા હોવાની માહિતી નામ ન આપવાની શરતે જાણકારો જણાવી રહ્યા છે. એક ગ્રામ્ય વિસ્તારમાં ડેરી ઉદ્યોગકારના પણ લાખો ફસાયા હોવાનું જાણવા મળ્યું હતું. જોવાનું એ રહે છે કે, વધુ વળતરની લાલચમાં આ છેતરપિંડીનો ભોગ બનેલામાંથી કોઈ ફરિયાદ કરવા આગળ આવે છે કે નહીં. ઉલ્લેખનીય છે કે, ધંધાકીય હબ બનેલા રાપર તાલુકામાં ખેતી ક્ષેત્રે સમૃદ્ધિ આવ્યા પછી આવા ફ્રોડના કે રૂપિયા લઈને ભાગી જવાના અનેક બનાવો છાશવારે બનતા રહે છે, પણ પોલીસ ચોપડે ભાગ્યે જ ચડતા હોય છે. આ એસડી એપમાં સંડોવાયેલાઓની અમરેલીથી ધરપકડ પણ કરવામાં આવી હતી.