નખત્રાણાના લૈયારી પર મેઘરાજા મહેરબાન: ધરતી ધણધણી, માલધારીઓના મુખે રોનક!
લાંબા સમયની તરસ બાદ આખરે આજે આભના ધણીએ લૈયારીની ધરા સામે જોયું અને બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને ગાજવીજ સાથે મુશળધાર વરસાદે ધરતીને તરબોળ કરી દીધી.
આ કોઈ સાધારણ વરસાદ નહોતો, આ તો પાલાર પાણી હતું. વરસાદના પાણી વહેતા થયા અને સુકા ભઠ્ઠ વોકળા વહેતા થયા. ચારે તરફ પાણી જ પાણી.
આ વરસાદના સમાચાર સાંભળતા જ માલધારી સમાજમાં અને ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે. જે માલધારીઓ પોતાના માલ ઢોર માટે ઘાસચારાની ચિંતામાં હતા, તેમના ચહેરા પર આજે રોનક આવી ગઈ છે. માલ માટે હવે લીલોચમ ઘાસચારો થશે એની આશા બંધાઈ છે.
ખરેખર, મુલક મલીર લૈયારી તે વઠો મીં – આ કહેવત આજે સાર્થક થઈ છે. લૈયારી મુલક આજે પાણીથી આબાદ થઈ ગયો છે.