નખત્રાણા તાલુકાના તલના આંગણે આભ ફાટ્યું:જત કરમખાન અલીખાનના ઘર સામે થાંભલા પર વીજળી પડતાં થાંભલો તાર સુમેત જમીન પર પડ્યો, તલ-લૈયારી અંધારામાં ગરકાવ!

image

કચ્છની ધરતી આજે એક તરફ વરસાદથી હરખાઈ રહી હતી, તો બીજી તરફ કુદરતે તલ ગામમાં પોતાનું રૌદ્ર રૂપ બતાવ્યું.

આજે બપોર બાદ જ્યારે નખત્રાણા પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, ત્યારે તલ ગામમાં રહેતા જત કરમખાન અલીખાન ના ઘર સામે એક ભયાનક ઘટના બની.

અચાનક આકાશમાં ગડગડાટ થયો અને એક જોરદાર આકાશી વીજળી સીધી તેમના ઘર સામે ઉભેલા વીજ થાંભલા પર ત્રાટકી. આ દ્રશ્ય એટલું ભયાનક હતું કે આજુબાજુના લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

વીજળી પડતાની સાથે જ આખો થાંભલો ધડાકા સાથે તૂટીને જમીનદોસ્ત થઈ ગયો. વીજળીના તારો તૂટી ગયા અને આખા વિસ્તારમાં સ્પાર્ક થયો.

અલ્લાહનો લાખ લાખ શુક્ર છે કે આટલી મોટી ઘટનામાં કોઈ પણ વ્યક્તિને કે કોઈ પશુને કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. એક મોટી દુર્ઘટના ટળી ગઈ.

પરંતુ થાંભલો પડી જવાના કારણે તલ ગામ અને બાજુના લૈયારી ગામનો વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. છેલ્લા કેટલાક કલાકોથી બંને ગામ અંધારપટમાં ડૂબેલા છે. વરસાદી માહોલમાં લાઈટ વગર લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

તલ ગામના વડીલો અને યુવાનો દ્વારા PGVCL નખત્રાણા વિભાગને અપીલ કરવામાં આવે છે કે આ બાબતે તાત્કાલિક ધ્યાન આપી અને નવો થાંભલો ઉભો કરી વહેલી તકે લાઈટ ચાલુ કરવામાં આવે.