ભચાઉમાં કામ-ધંધો ન મળતાં મહિલાએ ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું
ભચાઉના હિંમતપુરા વિસ્તારમાં રહેનાર રૂક્ષ્મણબેન રાજુભેરૂ ગોસ્વામીએ ગળેફાંસો ખાઇ જીવ દીધો હતો.ભચાઉના હિંમતપુરા વિસ્તારમાં ગત તા. 11/9ના રાત્રે 9થી 10.30ના અરસામાં આ બનાવ બન્યો હતો. અહીં રહીને કડિયાકામ કરનાર દંપતી રૂક્ષ્મણીબેન તથા તેના પતિ રાજુને કામ-ધંધો મળતો ન હોઇ તેની તાણમાં આ મહિલાએ અંતિમ પગલું ભરી લીધું હોવાનું પોલીસ મથકે લખાવાયું હતું. આ મહિલા પોતાના ઘરે હતી દરમ્યાન, લાકડામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ તેણે પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. બનાવની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.બીજીબાજુ આડેસર રેલવે સ્ટેશન નજીક પીયૂષ રામ કોળી નામના યુવાનની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી.વધુ એક અપમૃત્યુનો બનાવ આડેસરમાં બન્યો હતો. અહીં રહેનાર પીયૂષ નામના યુવાનની લાશ મળી આવી હતી. રેલવે સ્ટેશનની બાજુમાં બાવળની ઝાડીમાં અગમ્ય કારણોસર તેણે ફાંસો ખાઇ લીધો હતો. બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. મુંદરાના મોટા કાંડાગરામાં રહેતા મૂળ ગાંધીધામના 40 વર્ષીય યુવાન ચંપકભાઇ કેશાભાઇ મહેશ્વરી કોઇ પ્રવાહી પી જતાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. મૂળ ગાંધીધામ સેક્ટર-સાતના પૂનમ સોસાયટીના હાલે મોટા કાંડાગરા રહેતા ચંપકભાઇ મહેશ્વરી ગત તા. 10/9ના સાંજે કોઇ પ્રવાહી પી જતાં તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાતાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે આજે મુંદરા પોલીસ મથકે મૃતકના પત્ની કિરણબેને વિગતો જાહેર કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી છે.