બળદિયા ગામના જળાશયમાં પ્રદૂષિત પાણીથી દિલ્હીના યમુના જેવી સ્થિતિ સર્જાઈ

image

બળદિયા ગામના સ્મશાન નજીક આવેલા જળાશયમાંથી પસાર થઈ કેરાથી ગજોડ ડેમ તરફ જતાં પાણીમાં શેમ્પૂ સહિતના દ્રવ્યો અને મલમૂત્રયુક્ત ગંદુ પાણી ભળી જતાં ગંભીર જળપ્રદૂષણની સ્થિતિ સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. પાણીમાં જોવા મળતા ફીણ અને ગંદકીના કારણે અહીં દિલ્હીની યમુના નદી જેવી સ્થિતિ જોવા મળી રહી છે.

સ્થાનિક સ્તરે આ અંગે રજૂઆતો અને ફરિયાદો બાદ જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારીથી લઈને તાલુકા પંચાયતના અધિકારીઓ તથા તલાટી-મંત્રી સહિતના કર્મચારીઓ દ્વારા સ્થળ તપાસ કરી પંચનામું પણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. તેમ છતાં, પંચનામું થયાને સમય વીતી જવા છતાં આજદિન સુધી પ્રદૂષણનો કાયમી નિવેડો આવ્યો નથી.

મુખ્ય ચિંતાની બાબત એ છે કે બળદિયા ગામનું ગટરનું પાણી જળાશયમાં છોડવામાં આવતું હોવાથી. જેના કારણે ઘરેલું ગંદુ પાણી અને અન્ય પ્રદૂષિત પ્રવાહ જળાશયમાં ભળી રહ્યો છે અને ત્યાંથી આગળ ગજોડ ડેમ તરફ જાય છે.

જો આ પ્રવાહને તાત્કાલિક અટકાવી વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરવામાં આવે તો માત્ર જળાશય પૂરતું જ નહીં, પરંતુ આગળના જળસ્ત્રોતો,પશુધન અને પર્યાવરણ પર પણ તેની ગંભીર અસર પડી શકે છે.

સ્થળ પર પંચનામું થઈ ચૂક્યું હોવા છતાં કાર્યવાહી કેમ અટકી છે? ગટરનું પાણી જળાશયમાં છોડવાનું ક્યારે બંધ થશે? અને જવાબદાર તંત્ર દ્વારા પ્રદૂષણ રોકવા માટે કાયમી વ્યવસ્થા ક્યારે કરવામાં આવશે? તેવા સવાલો હવે ગ્રામજનો અને પર્યાવરણ અંગે ચિંતિત લોકોમાં ઉઠી રહ્યા છે.