મુંદરાનાં બંધ મકાનનાં તાળાં તોડીને રૂા. 2.50 લાખની ચોરી
મુંદરાનાં બંધ મકાનનાં તાળાં તોડી માળિયાના કબાટમાંથી પેન્શનની બચતના રાખેલા રોકડા રૂા. 2.50 લાખની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે.સૂત્રો પરથી મળતી માહિતી અંગે મુંદરા પોલીસ મથકે મુંદરામાં હસનપીર બજાર, કેરાઇ ફળિયા, ખોજા મસ્જિદની બાજુમાં રહેતા સમીરભાઇ સોકતઅલી ખોજાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના 70 વર્ષીય પિતા સોકતઅલી અંધ છે અને તેઓ સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા, હાલે નિવૃત્ત જીવન જીવે છે, તેઓને દર મહિને રૂા. 44 હજાર જેટલું પેન્શન આવે છે. ગત તા. 10-9ના ફરિયાદી અને તેમનો પરિવાર ઘર બંધ કરી અમદાવાદ ખાતે ધર્મગુરુ પ્રિન્સ રહીમ આગા ખાન આવવાના હોઇ ખોજા સમાજ સાથે ગયા હતા, ત્યાંથી પરત તા. 12-9ના ઘરે આવતાં ઘરના મુખ્ય દરવાજાનાં તાળાં તૂટેલાં હતાં. પિતાજીના પેન્શનના આવતા રૂપિયામાંથી બચત કરીને રોકડા રૂા. 2,50,000 ફરિયાદીએ ઘરના માળિયાના કબાટમાં રાખ્યા હતા, જે કયાંય દેખાયા ન હતા. આમ કોઇ અજાણ્યો ચોર લઇ ગયો હતો. પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.