પ્રાગપર ચોકડીથી બાઈક આડે કૂતરું આવતાં સર્જાયેલા અકસ્માતમાં પાછળ બેઠેલા યુવાન નું સારવાર માં મોત
મુંદરા તાલુકાના પ્રાગપર ચોકડીથી થોડે દૂર પોર્ટ રોડ પર તા. 11/9ના બાઈક આડે કૂતરું આવતાં સર્જાયેલા અકસ્માતમાં પાછળ બેઠેલા ભુજ તાલુકાના ભારાપરના યુવાન મામદહુશેન હાસમ થેબાને હાથ-પગ, પીઠ તેમજ હેમરેજ જેવી ગંભીર ઈજા બાદ તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું,મુંદરા પોર્ટ પર આવેલા સુખદેવ ટ્રાન્સપોર્ટમાં ડ્રાઈવરની નોકરી કરતા ભારાપરના મામદહુશેન અને તેનો કૌટુંબિક ભાઈ હારૂન અયુબ થેબા બાઈક લઈને દરરોજની જેમ તા. 11/9ના પણ નોકરી જતા હતા. હારૂન બાઈક ચલાવતો હતો અને મામદહુશેન તેની પાછળ બેઠો હતો. માર્ગમાં બાઈક આડે કૂતરું આવી જતાં બન્ને પટકાયા હતા. મામદહુશેનને હાથ, પગ અને પીઠ ઉપરાંત માથામાં ગંભીર ઈજાનાં પગલે ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયા હતા. ચાલક હારૂનને શરીરે સામાન્ય ઈજા પહોંચી હતી. મામદહુશેનને હેમરેજનું નિદાન થતા ઓપરેશન કરાવાયું હતું. આમ છતાં સારવાર કારગત ન નીવડતાં તેમનું સારવાર દરમ્યાન તા. 13/9ના મોત નીપજ્યું હતું.પ્રાગપર પોલીસ મથકે બાઈકચાલક હારૂન ઉપર ગુનો દાખલ કરાતાં કાર્યવાહી આદરાઈ છે. જ્યારે આદિપુરના મણિનગરમાં રહેનાર કિશન મૂળજી ફફલ નામના યુવાને ગળેફાંસો ખાઈ પોતાનો જીવ દીધો હતો. આદિપુરના મણિનગર વિસ્તારમાં આવેલા મકાન નંબર 105માં ગઈકાલે સાંજના અરસામાં આ બનાવ બન્યો હતો. અહીં રહેનાર કિશન નામનો યુવાન પોતાના ઘરે હતો, દરમ્યાન તેણે ગળેફાંસો ખાઈ લીધો હતો. તેને હોસ્પિટલ લઈ જવાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. છેલ્લા કેટલાક સમયથી તેના પત્ની માવિત્રે રહે છે, બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.બીજી બાજુ ભચાઉના સામખિયાળીમાં મનીષકુમાર મમતાસિંઘ એ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.આંબલિયારા રોડ, શાંતિનગર પ્લોટ વિસ્તાર, સામખિયાળીમાં અપમૃત્યુનો એક બનાવ બન્યો હતો. મૂળ ગયા, બિહારનો મનીષકુમાર પોતાના રૂમ પર હતો, દરમ્યાન પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. બનાવ અંગે પોલીસે નોંધ કરી બનાવ પછવાડેનું કારણ જાણવા આગળની તપાસ હાથ ધરી છે.