સુવઈની ધરતી પર એકતાનો મેળો – જ્યાં હિન્દુ-મુસ્લિમ એક થાળીમાં પ્રસાદ જમે છે!
દર વર્ષની જેમ આ વર્ષે પણ કચ્છની ધરતી ફરી એકવાર એકતાના રંગે રંગાઈ ગઈ.
આજરોજ સુવઈ મુકામે આપણા લોકલાડીલા સતાપીરનો ભવ્ય મેળો યોજાયો. સવારથી જ માહોલ કંઈક અલગ જ હતો. બે દિવસ પહેલા જ વરસાદદેવ વરસી ગયા હતા, એટલે ધરતી લીલીછમ અને લોકોના ચહેરા પર એક અલગ જ ખુશી હતી.
મેળામાં શું હતું એ વાત જ ન પૂછો!
એક તરફ સતાપીરની દરગાહ પર હિન્દુ ભાઈઓ અને મુસ્લિમ ભાઈઓ ખભેથી ખભો મિલાવીને ઉભા હતા. એક જ પંગતમાં, એક જ થાળીમાં ન્યાજ (પ્રસાદ) લીધો. ન કોઈ હિન્દુ, ન કોઈ મુસ્લિમ, બધા જ એક જ – ભારતીય. આ જ તો આપણી સાચી સંસ્કૃતિ છે, આ જ તો આપણું કચ્છ છે.
મેળાની રોનક તો જોવા જેવી હતી. નાની-મોટી અનેક દુકાનો લાગી હતી. બાળકો માટે નાના-નાના ચકડોળ ફરી રહ્યા હતા, અને ઠંડા પીણા અને આઈસ્ક્રીમ વાળાની દુકાને તો મોટી ભીડ હતી.
અને સાંજ પડતાં જ તો મોજ જ કંઈક અલગ હતી. DJ ના તાલે હિન્દુ અને મુસ્લિમ બહેનો એક સાથે રાસની મોજ માણી રહી હતી. ઢોલના તાલે પગ તો કોઈના રોકાય જ નહીં.
ખરેખર, આજે સુવઈના મેળાએ બતાવી દીધું કે કચ્છમાં આજે પણ ભાઈચારો જીવે છે.