ફતેહગઢ નજીક યુવાન ઉપર ફાયરિંગનો જીવલેણ હુમલો

 રાપર તાલુકાના ફતેહગઢ નજીક આવેલા ભોજનારી ડેમ વિસ્તારમાં માલધારીના પડાવ પર મોડી રાત્રે ફાયરિંગનો ચકચારી બનાવ સામે આવ્યો છે. સૂત્રો પરથી મળતી માહિતી બે અજાણ ઇસમોએ જાનથી મારી નાખવાના ઈરાદે માલધારી પર ગોળીબાર કરતા બનાવ અંગે ગુનો દાખલ થયો હતો. નાની રવ ગામે રહેનાર તથા પશુપાલનનો વ્યવસાય કરતા 35 વર્ષીય ખોડા કાના રબારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ આ બનાવ ગત મોડી રાત્રે બન્યો હતો.  રાપર પોલીસ મથકથી ઉત્તર દિશામાં આશરે 22 કિ.મી. દૂર ભોજનારી ડેમ પાસે જોતા મમુ રબારી પોતાના પડાવમાં હતા. ત્યારે અચાનક આવી પહોંચેલા બે અજાણ્યા શખ્સોએ કોઈ પણ બોલાચાલી કર્યા વગર જાનથી મારી નાખવાના ઈરાદે બંદૂક વડે ભડાકો કર્યો હતો. આ અચાનકના હુમલામાં જોગાભાઈને છાતીના નીચેના ભાગે જમણી બાજુ ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચી હતી. આ બનાવ બાદ બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ફાયરિંગના બનાવમાં ઘવાયેલા માલધારીને પ્રથમ સ્થાનિકે બાદમાં વધુ સારવાર અર્થે ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. મોડી રાત્રે આવેલા અજાણ્યા આરોપીઓ ચોરીના ઈરાદે આવ્યા હોવાની શંકાના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. અલગ-અલગ ટીમો વડે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કરાયા હોવાનું પી.આઈ. આર.એલ. ખટાણાએ જણાવ્યું હતું.