ગાંધીધામ સુંદરપુરી વિસ્તારમાં યુવાન ઉપર બે શખ્સે ધોકા વડે હુમલો
ગાંધીધામ શહેરના સુંદરપુરી વિસ્તારમાં યુવાન ઉપર બે શખ્સે ધોકા વડે હુમલો કરતાં તેને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી. સૂત્રો પરથી મળતી માહિતી શહેરના નવી સુંદરપુરી તૈયબાહ મસ્જિદ પાસે રહેનાર ફરિયાદી ફિરોઝ અલીમામદ ચાવડા નામનો યુવાન ગત તા. 12/9ના પાણીના ટાંકા પાસે બજારમાં સામાન લેવા ગયો હતો ત્યારે સાંજના અરસામાં ભચાઉનો અહેમદ રાજા ઉર્ફે પપ્પુ તથા યોગેશ ઉર્ફે જોગલો મારાજ ત્યાં આવ્યા હતા અને ફરિયાદી સાથે ઝઘડો કરી તેના ઉપર ધોકા વડે હુમલો કર્યો હતો. તેના ઉપર છરી વડે હુમલાની કોશિષ પણ કરાઇ હતી. રાડારાડના પગલે લોકો ભેગા થતાં બંને નાસી ગયા હતા. ઘવાયેલા યુવાનને સારવાર અર્થે લઇ જવાતાં તેને પગમાં અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હોવાનું બહાર આવ્યું હતું. ફરિયાદીના ભાઇની પત્નીએ અગાઉ અહેમદ રાજા સામે ફરિયાદ નોંધાવી હતી જેનું મનદુ:ખ રાખીને આ હુમલો કરાયો હોવાનું ગાંધીધામમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવાયું હતું. આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.