મેદસ્વિતા મુક્ત અભિયાન: આહારનું સંતુલન જ સ્વસ્થતાનો સાચો આધાર
આજના યુગમાં મેદસ્વિતા એક મોટો આરોગ્યપૂર્ણ પડકાર બની ગયો છે. અનિયમિત ખાનપાન, ફાસ્ટફૂડનો વધતો ઉપયોગ અને ઓછી શારીરિક પ્રવૃત્તિને કારણે ઘણા લોકો વજનના ભારથી પીડાઈ રહ્યા છે. આ સમસ્યા ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓનું જોખમ પણ વધારે છે. આવા સમયે મેદસ્વિતા મુક્ત અભિયાનનો સૌથી મજબૂત આધાર સંતુલિત આહાર છે.
સંતુલિત આહાર એટલે એવો ખોરાક જેમાં કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, ચરબી, વિટામિન્સ અને ખનિજ તત્વો યોગ્ય પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. આપણા રોજિંદા આહારમાં આખા ધાન્ય અને કઠોળને વધુ પ્રાધાન્ય આપીએ, તો પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને વજન નિયંત્રણમાં મદદ મળે છે. બાજરી, જુવાર, રાગી કે બ્રાઉન રાઈસ લેવાથી શરીરને વધુ પોષણ મળે છે. આ ઉપરાંત, દરરોજ લીલાં શાકભાજી અને તાજા ફળોનો સમાવેશ કરવાથી રેસા મળે છે. જે પાચન સુધારે છે અને અનાવશ્યક ચરબી જમા થતી અટકાવે છે. મલાઈ વગરના દૂધ, દહીં અને છાશનો ઉપયોગ કરવાથી કેલ્શિયમ તો મળે છે પણ વધારાની ચરબી ઓછી રહે છે.
આમ, સરળ અને સંતુલિત થાળીમાં બે-ત્રણ મલ્ટીગ્રેન રોટલા, દાળ, બે પ્રકારની શાકભાજી, સલાડ અને થોડું દહીં કે છાશને સામેલ કરવાથી કેલરી નિયંત્રિત રહે છે અને શરીરને જરૂરી પોષણ મળે છે. મેદસ્વિતા મુક્ત અભિયાનની સફળતા ત્યારે જ શક્ય બનશે. જ્યારે દરેક પરિવાર પોતાના રસોડામાંથી નાના-નાના ફેરફારો કરવાનું શરૂ કરશે. સંતુલિત આહાર અપનાવવો મુશ્કેલ કાર્ય નથી, પરંતુ તે સ્વસ્થ અને લાંબા જીવનનો સાચો આધાર છે.