યુપીઆઈ ફી મુદ્દે ઉહાપોહ; સરકારની પીછેહઠની ના

રૂા. 2000થી વધુના યુપીઆઈ ટ્રાન્ઝેકશન પર વેરો વસૂલવાના સરકારના નિર્ણયના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. કોંગ્રેસ સહિતના વિપક્ષોએ આ મુદ્દે સરકાર પર પ્રહારો કર્યા છે, તો કારોબારી સંગઠનો અને અશ્નીર ગ્રોવર જેવા એન્ટરપ્રિન્યોરે પણ આ નિર્ણયની ટીકા કરી છે. બીજી તરફ સરકારે સ્પષ્ટ કર્યું હતું કે, આ નિર્ણય પાછો લેવાનો સવાલ જ નથી. યુપીઆઈ પર ચાર્જના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો છે. યુપીઆઈ પર મરચન્ટ ડિસ્કાઉન્ટ રેટ લગાવવાના નિર્ણયને પગલે મચેલા ઉહાપોહ વચ્ચે આજે નાણામંત્રી નિર્મલા સીતારામને એક કાર્યક્રમ દરમ્યાન એવું નિવેદન આપ્યું હતું કે, વેપારીઓએ કરના દરોમાં છૂટછાટની માગણી કરતા પહેલાં દેશહિત પર ધ્યાન આપવું પડશે. નિર્મલાના આ નિવેદને સોશિયલ મીડિયામાં ચર્ચા જગાવી છે. બીજી તરફ નીતિ આયોગના વાઈસ ચેરમેન અશોકકુમાર લાદિરીએ જણાવ્યું હતું કે, સરકાર દરેક બાબત પર સબસિડી આપી શકે નહીં. વેપારીઓએ સરકારની સબસિડીઓ પર નિર્ભર રહેવાને બદલે ખુદ ટકવાના રસ્તા શોધી લેવા જોઈએ. દરમ્યાન, યુપીઆઈ દ્વારા બે હજાર રૂપિયાથી વધારે ચૂકવણાં પર ચાર્જ વસૂલવાનો મામલો વિરોધના વંટોળ વચ્ચે બુધવારે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો હતો. અદાલતમાં જનહિતની અરજી કરીને આ નિર્ણય સામે વિરોધ ઊઠાવાયો હતો. સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવનાર અરજદાર અંજન દત્તાએ અરજીમાં 0.4 ટકા ચાર્જ વસૂલવાના પગલાંને કાયદાની નજરમાં સમાનતા અને વેપારના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન લેખાવ્યું હતું. અરજદારે કહ્યું હતું કે, આ વ્યવસાયને કોઈ જાતની યોગ્ય ચર્ચા વગર લવાઈ રહી છે. સાથોસાથ જરૂરી કાનૂની પ્રક્રિયાનું પાલન પણ નથી કરાયું. આ નવાં પગલાંથી નાના વેપારીઓ પર ભારણ વધશે. યુપીઆઈના વધારાના ચાર્જથી બચવા માટે ફરી એકવાર રોકડમાં ચૂકવણાંની માંગ શરૂ થઈ શકે છે.આવો બદલાવ ડિજિટલ અર્થવ્યવસ્થાને લાગુ કરવાનાં લક્ષ્યને અસર કરશે, તેવો તર્ક અરજદાર અંજન દત્તાએ આપ્યો હતો. તેમણે એવી દલીલ કરી હતી કે, આ ફેંસલો લેવા પહેલાં સરકારે દેશની સામાન્ય જનતાનો મત જાણવા જેવી કોઈ જ વાત કરી નથી. દરમ્યાન સરકારે સ્પષ્ટતા કરી હતી કે, આ આજે માત્ર વેપારીઓ માટે છે. સામાન્ય લોકો માટે વ્યક્તિથી વ્યક્તિ વ્યવહાર અને બે હજાર રૂપિયા સુધીના વેપારી ચૂકવણાં પૂર્ણપણે નિ:શુલ્ક રહેશે.