મંજલમાં ખેતમજૂરની હત્યા કરનારા પકડાયાં

નખત્રાણા તાલુકાના મંજલ ગામની સીમમાં લૂંટના ઈરાદે મજૂરની કરાયેલી હત્યાના બનાવમાં નખત્રાણા પોલીસે ત્રણ શખ્સોને ઝડપી પાડી મનુષ્ય વધના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.સૂત્રો પરથી મળતી માહિતી પોલીસે આપેલી વિગતો મુજબ, ગત તા. 11-9ના રાત્રિના અરસામાં મંજલની સીમમાં આવેલી વાડીના મજૂર તથા તેની પત્ની સૂતા હતા ત્યારે કેબલ ચોરી કરવા આવેલા અને ગુનાહિત ઈતિહાસ ધરાવતા યુવાનો બંને સાથે મારામારી કરી કુહાડીનો ઊંધો ઘા માર્યો હતો, જેમાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું મોત થયું હતું.આ ઉપરાંત આરોપીઓએ ચોરીનો માલ-સમાન ખરીદનારા  ભુજમાં વેચ્યો હતો, જેને પણ પોલીસે ઝડપી લીધો હતો. ગુનાની ગંભીરતા જોતાં પોલીસ અને સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓએ ટેકનિકલ સંદર્ભો તથા નેત્રમ કમાન્ડ એન્ડ કન્ટ્રોલના સર્વેલન્સના આધારે સઘન તપાસ હાથ ધરી હતી અને આરોપીઓને ઝડપી પાડયા હતા. કડક પૂછપરછમાં આરોપીઓએ રુદ્રાણી ડેમના બોરના તથા બાજુમાં આવેલી વાડી, કોડકી તથા ફોટડી ગામની વાડી, માધાપરની બાજુમાં આવેલા કારીમોરી વિસ્તારની વાડીઓ, જતાવીરા-ભારાપરના બોર, ગઢશીશા-માંડવી જતા માર્ગ પર આવેલી વાડીઓ, મેઘપર ગામની બાજુમાં આવેલી અલગ-અલગ વાડીઓ અને સામત્રા ટોલ પ્લાજાની આજુબાજુમાં આવેલા વાડી વિસ્તારમાંથી કેબલની ચોરી કરી હોવાની કબૂલાત પણ આરોપીઓએ આપી હતી. આ કામગીરીમાં નખત્રાણા પીઆઈ એ. એમ. પટેલના માર્ગદર્શન હેઠળ એએસઆઈ જયંતીભાઈ માજીરાણા, સબીરઅલી બાયડ, હેડ કોન્સ. મોહનભાઈ આયર, નરેન્દ્રસિંહ સોઢા, મોહનભાઈ ગઢવી, મીતકુમાર પટેલ તથા જીઆરડી સભ્ય જયરાજસિંહ જાડેજા સહિતનો સ્ટાફ જોડાયો હતો.