દેશના યુવાનોને નશાના સકંજામાંથી બચાવવા પડશેઃ PM નરેન્દ્ર

image

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠકમાં દેશમાં વધતી નશાની સમસ્યા ઉપર ઊડી ચિંતા વ્યક્ત કરી હતી. યુવાનોમાં નશાની લતનો ઉલ્લેખ કરતાં પીએમ મોદી ભાવુક થયા હતા. તેમણે જણાવ્યું હતું કે, દેશના યુવાનોને કોઈ પણ ભોગે નશાની લતથી બચાવવા પડશે. પીએમ મોદીએ નક્સલવાદ સામે મળેલી સફળતાનું ઉદાહરણ આપતાં નશાની સમસ્યાને પણ મૂળમાંથી ખતમ કરવાનું આહ્વાન કર્યું હતું. નવી દિલ્હીના ભારત મંડપમમાં બુધવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રી પરિષદની મહત્ત્વની બેઠક થઈ હતી. આસિયાન શિખર સંમેલનમાં ભાગ લીધા બાદ મનીલાથી મોડી રાત્રે દિલ્હી પરત ફરેલા પીએમ મોદીએ સવારે 10-30 વાગ્યે બેઠકની અધ્યક્ષતા કરી હતી. અંદાજિત સાડા ત્રણ કલાક ચાલેલી બેઠકમાં નશાની વધતી સમસ્યા, ગરીબી હટાવવા, નક્સલવાદ, આર્થિક સશક્તીકરણ અને પ્રશાસનિક સુધારા સહિતના મહત્ત્વના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રો અનુસાર મંત્રી પરિષદની બેઠકમાં દેશના યુવાનો ઉપર નશાના વધતા પ્રભાવની ચર્ચા કરતા પીએમ મોદી ભાવુક થયા હતા અને જણાવ્યું હતું કે, યુવા પેઢીને નશાના સકંજામાંથી કોઈ પણ ભોગે છોડાવવા પડશે. આ સાથે પીએમ મોદીએ મંત્રીઓ અને અધિકારીઓને ચેતવ્યા હતા કે નક્સલવાદ સામે મળેલી સફળતાને જાળવી રાખવી જરૂરી છે. નક્સલવાદ ફરી શરૂ ન થાય તેના ઉપર નજર રાખવી પડશે. મોદીએ બેઠકમાં ગરીબી દૂર કરવા મુદ્દે વિસ્તારથી ચર્ચા કરી હતી અને 2014ના પોતાના ભાષણને યાદ કરતાં પોતાની સરકારને ગરીબોને સમર્પિત ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, 50 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે અને આ લોકો ફરીથી ગરીબીમાં ન આવે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. બેઠકમાં યોજનાઓ, ઉપલબ્ધિઓ અને ભવિષ્યની રણનીતિ અંગે ત્રણ વિસ્તૃત પ્રેઝન્ટેશન આપવામાં આવ્યા હતા. ગરીબી મુદ્દેનું પ્રેઝન્ટેશન આર્થિક મામલા, ગ્રામીણ વિકાસ, પંચાયતીરાજ અને મત્સ્યપાલન સહિત 11 મંત્રાલયના વિભાગો અને સચિવોએ આપ્યું હતું.