બર્ડ ફલૂની પ્રથમ સ્વદેશી રસી શોધાઇ

મરઘાં અને પોલ્ટ્રી ઉદ્યોગને ખતરનાક એચફાઇવએનવન બર્ડ ફ્લૂ વાયરસથી બચાવવા માટે, ભોપાલના વૈજ્ઞાનિકોએ દેશની પ્રથમ સ્વદેશી રસી વિકસાવી છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ હેઠળની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ હાઈ સિક્યોરિટી એનિમલ ડિસીઝિસ'એ આ રસી ખાસ કરીને વાયરસના2.3.2.1એ’ ક્લેડ સામે રક્ષણ મેળવવા માટે તૈયાર કરી છે. આ રસીનો એક ડોઝ મરઘાંને છ મહિના સુધી સુરક્ષા પૂરી પાડશે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજાસિંહ ચૌહાણ 20 નવેમ્બરે ભોપાલમાં આવેલી આ સંસ્થાનાં પરિસરમાં આ રસીનું લોકાર્પણ કરશે. આ એક નિક્રિય વાયરસ ધરાવતી રસી છે. તેના પરીક્ષણોમાં ઈંડા આપતી મરઘીઓ અને પ્રજનન માટે ઉછેરવામાં આવતી મરઘીઓ બંનેમાં સકારાત્મક પરિણામો જોવા મળ્યાં છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય પોલ્ટ્રી ફાર્મમાં આ પ્રકારની મરઘીઓને રસી આપવાનો છે. ભારતમાં બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ 2006માં નોંધાયો હતો, ત્યારથી અત્યાર સુધીમાં દેશભરમાં આવી 500થી વધુ ઘટના સામે આવી છે. માત્ર શરૂઆતના રોગચાળા દરમિયાન જ પોલ્ટ્રી ઉદ્યોગને અંદાજે રૂા. 2,200થી રૂા. 3,000 કરોડનું નુકસાન થયું હતું. એચફાઇવએનવન વાયરસ મનુષ્યોને પણ સંક્રમિત કરી શકે છે.